
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સત્વરે GSTમાં મોટી રાહત આપવાનો વિચાર કરી રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સરકાર અત્યારે ટેક્સમાં ફેરબદલ કરવાનું વિચારી રહી છે. જેના કારણે કેટલીક વસ્તુઓના ભાવમાં લોકોને રાહત મળી શકે તેમ છે. ખાસ કરીને મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો જે વસ્તુઓનો વધારે ઉપયોગ કરે છે તે વસ્તુઓનો ભાવ ઘટી શકે છે. તો ચાલો જાણીએ કંઈ વસ્તુઓનો ભાવ ઘટવાનો છે….
શું 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવામાં આવશે?
સરકાર GSTના 12 ટકાના સ્લેબમાં યાદીમાં રહેલી મોટાભાગની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં મુકવાનો અથવા તો આ વસ્તુઓ પરના 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવા પર વિચાર કરી રહી છે. જ સમાન્ય લોકો માટે ઘણી ફાયદાકારક વાત સાબિત થવાની છે. સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આ જ શ્રેણી એટલે કે 12 ટકાના સ્લેબમાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, આ મામલે હજી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વિશ્વસનીય સૂત્રો દ્વારા આ જાણકારી મળી રહી છે.
8 વર્ષ બાદ ફરી સરકાર એક નવો ફેરફાર કરવા માટે કરશે વિચારણા
ભારતમાં રહેતા દરેક વ્યક્તિને જીએસટી ભરવો પડે. GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને દેશભરમાં એક જ કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જેથી વિવિધ કરને એકસાથે જોડી શકાય. મહત્વની વાત એ છે કે, હવે 8 વર્ષ બાદ ફરી સરકાર એક નવો ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થવાનો છે. સરકાર દ્વારા જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવશે તેના કારણે સામાન્ય વર્ગમાં આવતા દરેક પરિવારો પરથી ખર્ચનું ભારણ ઓછું થઈ જવાનું છે.

કંઈ કંઈ વસ્તુઓ સસ્તી થવાની છે?
ભારત સરકાર હવે 12 ટકાના ટેક્સ સ્લેબને દૂર કરીને તેમાં ફેરફાર કરશે અને તેના સામે 5 ટકા ટેક્સ સ્લેબ લાવશે. જેના કારણે ફૂટવેર, મીઠાઈઓ, કપડાં અને ડેરી પ્રોડક્સ સાથે સાથે અનેક વસ્તુઓ સસ્તી થઈ જવાની છે. આ ફેરફારના કારણે રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. સરકાર અને રાજ્યોને કરનો હિસ્સો વધુ મળશે, ઉદ્યોગપતિઓને ઓછી જટિલતા રહેશે અને લોકોને કિંમતોમાં પારદર્શિતા જોવા મળશે. જો બધા રાજ્યો સંમત થાય, તો આગામી મહિનાઓમાં દેશભરમાં ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. પરંતુ શા મામલે દરેક રાજ્યો દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવશે? તે આગામી બેઠક દરમિયાન જાણવા મળશે.
ભારતમાં હાલ 5%, 12%, 18% અને 28% ચાર GST સ્લેબ છે
જો કે, આ ટેક્સ સ્લેબના કેટલીક વસ્તુઓ સસ્તી થશે તો સામે કેટલીક વસ્તુઓ મોંઘી પણ થવાની છે. જેમાં તંબાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. ભારતમાં GST વર્ષ 2017 માં લાગુ કરવામાં આવ્યો હતો અને છેલ્લા કાર્યકારી દિવસે, 1 જુલાઈના રોજ તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે. GST દરો જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ તેમને બદલવાના કોઈપણ નિર્ણયમાં સામેલ હોય છે. ભારતમાં હાલમાં ચાર GST સ્લેબ છે. 5%, 12%, 18% અને 28%. જેમાં અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્તો અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્ય તમામ ચીજવસ્તુઓને વિવિધ શ્રેણીઓ અનુસાર આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.