UPI પછી હવે રોકડ પણ GST વિભાગની નજરમાં: વેપારીઓ સાવધાન, નોટિસ આવી રહી છે!

નવી દિલ્હી: આજના સમયમાં મોટાભાગની વસ્તુઓ પર GST લાગે છે. ગ્રાહકોને જ નહી, પરંતુ વેપારીઓને પણ GSTની ચૂકવણી કરવી પડે છે. જેનાથી બચવા માટે વેપારીઓ કેટલીક છટકબારીઓનો ઉપયોગ કરે છે. રોકડની લેવડ-દેવડ આ પૈકીની છટકબારી છે. પરંતુ હવે રોકડની લેવડ-દેવડ કરતા વેપારીઓને પણ GST વિભાગની નોટિસ મળી રહી છે.
દરેક જણ GST વિભાગની નજરમાં છે
દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં કેટલાક વેપારીઓેએ UPI દ્વારા પેમેન્ટ લેવાનું બંધ કરી દીધું છે. કારણ કે UPI પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના રેકોર્ડને કારણે તેઓની આવકનો ડેટા GST વિભાગને મળી રહ્યો છે. તેથી GST વિભાગ દુકાનદારોને લાખો-કરોડો રૂપિયાની નોટિસ મોકલી રહ્યું છે. જેથી હવે દુકાનદારોએ રોકડ રકમની લેવડ-દેવડ કરવાનું શરૂ કર્યું છે. તેમ છતાં દુકાનદારોને નોટિસ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો: GST કલેક્શનનો નવો રેકોર્ડ: સરકારની તિજોરી છલકાઈ, ₹ 22 લાખ કરોડને પાર!
તાજેતરમાં કર્ણાટક રાજ્યના GST વિભાગે જણાવ્યું હતું કે, UPI અને અન્ય માધ્યમો દ્વારા લેવડ-દેવડ કરતા વેપારીઓને અમે GST નોટિસ મોકલી છે. જેને નોટિસ મોકલવામાં આવી છે, તેવા વેપારીઓનું ટર્નઓવર GST નોંધણી મર્યાદા કરતાં વધી ગયું છે.
નિયમોનું પાલન કરો, નહીંતર નોટિસ મળશે
GST વિભાગે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ પ્રકારની લેવડ-દેવડ પર GST વસૂલવામાં આવશે. ચૂકવણી UPIથી હોય કે રોકડ રકમથી થઈ હોય દરેકે GSTના નિયમોનું પાલન કરવું પડશે.જો તમારો વેપાર નિર્ધારિત મર્યાદા કરતા વધુ થઈ રહ્યો છે, તો GST માટેની નોંધણી કરાવવી પડશે. નહીતર તેમને નોટિસ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017 ની કલમ 22 હેઠળ, વ્યવસાય કરતા દરેક વ્યક્તિએ જે રોકડ, UPI, POS મશીન, બેંક ચુકવણી અથવા અન્ય કોઈપણ માધ્યમથી ચુકવણી સ્વીકારે છે. તેણે GST નોંધણી કરાવવી જરૂરી છે.