GPS સ્પૂફિંગ શું છે? હજારો હવાઈ મુસાફરોના જીવ પડી ગયા હતાં જોખમમાં, સરકારે સ્વીકાર્યું

નવી દિલ્હી: ભારતનું એવિએશન સેક્ટર છેલ્લા ઘણાં સમયથી અપ્રિય કારણોસર ચર્ચામાં રહે છે, એવામાં સોમવારે રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો, જેને કારણે દેશમાં એર ટ્રાવેલની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. મંત્રાલયે લેખિત નિવેદન સ્વીકાર્યું કે નવેમ્બર મહિનામાં દેશના મુખ્ય એરપોર્ટ પર GPS સ્પૂફિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે એરપોર્ટ પર એર ટ્રાવેલ સર્વિસ ખોરવાઈ ગઈ હતી.
નોંધનીય છે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહીત દેશભરના મુખ્ય એરપોર્ટસ પર એર ટ્રાવેલ સર્વિસ ખોરવાઈ ગઈ હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ(IGI) એરપોર્ટ પર 800 ફ્લાઇટ્સને અસર પહોંચી હતી. એ સમયે આ સમસ્યા ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ખામીને કારણે સર્જાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે સરકારે સ્વીકાર્યું છે કે આ GPS સ્પૂફિંગનો મામલો હતો.
દુર્ઘટના ટળી:
નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં (IGI) એરપોર્ટ નજીક ઉડી રહેલા કેટલાક વિમાનોએ GPS સ્પૂફિંગની જાણ કરી હતી. રનવે 10 પર GPS-આધારિત લેન્ડિંગ દરમિયાન આ સમસ્યા નોંધાઈ હતી. સ્પૂફિંગની જાણ થતાં જ, વૈકલ્પિક પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, જેનાથી વિમાનો સુરક્ષિત લેન્ડ થયા હતાં. પરંપરાગત નેવિગેશન સિસ્ટમ્સ ઉપલબ્ધ હોવાથી કોઈ નુકશાન થયું ન હતું. ફ્લાઇટ કામગીરી પર કોઈ ગંભીર અસર પડી ન હતી.
તેમણે જણાવ્યું કે વાયરલેસ મોનિટરિંગ ઓર્ગેનાઇઝેશન (WMO) ને GPS સ્પૂફિંગ પાછળના કોનો હાથ હતો એ શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આઇટી નેટવર્ક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એડવાન્સ સાયબર સિક્યોરિટી લાગુ કરવામાં આવી રહી છે.
GPS સ્પૂફિંગ શું છે?
ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS)નું સ્પૂફિંગ કરીને વિમાનના પાયલોટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. GPS સ્પૂફિંગથી વિમાનની નેવિગેશન સિસ્ટમ્સને ખોટી પોઝિશન, સ્પિડ અથવા ટાઈમ આપવામાં આવે છે.
GPS સ્પૂફિંગનો પ્રયાસ સફળ રહે તો વિમાન અકસ્માતનો ભોગ બની શકે છે.
આપણ વાંચો: સંચાર સાથી એપ પર વિવાદ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું આપ્યું મોટું નિવેદન?



