હરિયાણા, ગોવાના નવા રાજ્યપાલ અને લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નરની જાહેરાત, જાણો કોણ છે આ ત્રણ નવા ચહેરા

નવી દિલ્હી : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બે રાજ્યના રાજ્યપાલ અને એક કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. સત્તાવાર નિવેદન મુજબ રાષ્ટ્રપતિએ હરિયાણાના નવા રાજ્યપાલ તરીકે પ્રોફેસર અસીમ કુમાર ઘોષના નામની જાહેરાત કરી છે.
જયારે ગોવાના નવા રાજ્યપાલ તરીકે તેલુગુ દેશમ પાર્ટીના સીનીયર નેતા પુષ્પાપતિ અશોક ગજપતિ રાજુને નિયુક્ત કર્યા છે. તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ સીએમ કવિન્દર ગુપ્તાની નિયુક્તિ કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લદ્દાખના વર્તમાન રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રાનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ નવી નિમણૂકો રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા ઘણા નવા નિર્ણયોના ભાગ રૂપે કરવામાં આવી હતી.
આપણ વાંચો: વાંસળીવાદક પંડિત રોનુ મજુમદારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે પદ્મશ્રી એનાયત કરાયો…
હરિયાણાના નવા રાજ્યપાલ અસીમ ઘોષ પશ્ચિમ બંગાળ ભાજપના નેતા
હરિયાણાના નવા રાજ્યપાલ પ્રોફેસર અસીમ ઘોષ એક વરિષ્ઠ રાજ નેતા, શિક્ષણવિદ અને પશ્ચિમ બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ છે. વર્ષ 1944 માં હાવડામાં જન્મેલા ઘોષ કોલકાતાની વિદ્યાસાગર કોલેજમાંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક છે.
તેઓ ઘણા વર્ષોથી રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર રહ્યા છે. તેઓ વર્ષ 1991 માં ભાજપમાં જોડાયા અને પાર્ટીમાં જાણીતા થયા. તેઓ વર્ષ 1999 થી 2002 સુધી પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવવામાં પ્રયાસો કર્યા હતા.
આપણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ Dholavira વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી…
ગોવાના નવા રાજ્યપાલ ગજપતિ રાજુ તેલુગુ દેશમ પાર્ટીના વરિષ્ઠ નેતા
ગોવાના નવા રાજ્યપાલ ગજપતિ રાજુ તેલુગુ દેશમ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. અશોક ગજપતિ રાજુનો આંધ્રપ્રદેશના વિજયનગરમના રાજવી પુસાપતિ પરિવારમાં જન્મ થયો છે. તેલુગુ દેશમ પાર્ટીમાંથી સાત વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગજપતિ રાજુએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બંને પદ સંભાળ્યા છે.
વર્ષ 2014 માં વિજયનગરમ લોકસભા બેઠક જીત્યા પછી રાજુએ પ્રથમ મોદી મંત્રીમંડળમાં લગભગ ચાર વર્ષ સુધી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે સેવા આપી હતી. આંધ્રપ્રદેશના વિશેષ દરજ્જાના વિવાદને કારણે તેમણે આખરે રાજીનામું આપ્યું હતું.
આપણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરૂણાચલ અને મિઝોરમના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તા કટોકટીમાં 13 મહિના જેલમાં રહ્યા
લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તા જમ્મુ કાશ્મીરમાં ભાજપના મોટા નેતાઓમાં એક છે. તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના છેલ્લા નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર પણ રહી ચૂક્યા છે અને આ પદ સંભાળનારા પહેલા ભાજપ નેતા હતા.
આ ઉપરાંત, તેઓ વર્ષ 2005 થી 2010 સુધી જમ્મુના મેયર હતા. તેઓ આરએસએસ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હોવાનું કહેવાય છે. તેઓ 13 વર્ષની ઉંમરે આરએસએસમાં જોડાયા હતા અને કટોકટી દરમિયાન 13 મહિના જેલમાં રહ્યા હતા. તેમણે વિશ્વ હિન્દુ પરિષદના પંજાબ એકમના સચિવ અને ભારતીય યુવા મોરચાના જમ્મુ અને કાશ્મીર એકમના વડા તરીકે પણ સેવા આપી છે.