અમારા વિના સરકાર નહીં બનેઃ કેજરીવાલે કહ્યું હું હરિયાણવી છું, કોઈ તોડી નહીં શકે…
આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે હરિયાણાના યમુનાનગરના જગાધરી વિધાનસભામાં રોડ શો કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલનો આ પહેલો રાજકીય કાર્યક્રમ હતો. આગામી બે અઠવાડિયામાં અરવિંદ કેજરીવાલ હરિયાણામાં ૧૦થી વધુ ઉમેદવાર માટે રોડ શો કરશે.
જગાધરી વિધાનસભામાં ભાષણ આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે જગાધરીના લોકોને મારા રામ-રામ. તમે જોયું જ હશે કે આ લોકોએ મને ખોટા કેસમાં જેલમાં ધકેલી દીધો હતો. હું પાંચ મહિના જેલમાં રહ્યો. તેઓએ મને જેલમાં તોડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. મને સામાન્ય ગુનેગારને મળતી સુવિધાઓ પણ આપવામાં આવતી નહોતી. તેઓ મને તોડવા માંગતા હતા પરંતુ તેઓ નથી જાણતા કે હું હરિયાણાનો છું.
મારી નસોમાં હરિયાણાનું લોહી દોડે છે. તમે કોઈને પણ તોડી શકો છો પણ હરિયાણાના વ્યક્તિને તોડી શકતા નથી. તેઓએ મારી સાથે જે પણ કર્યું તેનો બદલો હરિયાણાનું દરેક બાળક લેશે. તેઓએ (ભાજપ) મને જેલમાં મોકલ્યો, હવે હરિયાણાના લોકો તેમને હરિયાણાની બહાર મોકલશે.
આપણ વાંચો: અરવિંદ કેજરીવાલે કર્યું સીએમ પદ પરથી રાજીનામુ આપવાનું એલાન
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, ‘જો હું ઈચ્છત તો આરામથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શક્યો હોત. જ્યારે ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસ પછી પાછા ફર્યા ત્યારે સીતામાતાએ પણ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી.
તેવી જ રીતે કેજરીવાલ પણ અગ્નિપરીક્ષા આપશે. આ લોકો મારા પર આરોપ લગાવે છે કે કેજરીવાલ બેઈમાન અને ભ્રષ્ટ છે. મેં દિલ્હીના લોકોને કહ્યું કે ‘હું રાજીનામું આપી રહ્યો છું અને જો તમને લાગે કે કેજરીવાલ ચોર છે તો મને વોટ નહીં આપતા અને એવું લાગે છે કે કેજરીવાલ પ્રમાણિક છે તો જ વોટ આપજો અને ત્યારે જ હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.’
અરવિંદ કેજરીવાલે કહ્યું કે સમગ્ર હરિયાણા આ સમયે પરિવર્તન ઈચ્છે છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં તમે જોશો કે લોકો તેમને ગામડાઓ અને શેરીઓમાં પ્રવેશવા દેતા નથી. અત્યાર સુધી હરિયાણામાં લોકો એક પાર્ટીથી નારાજ થઈને બીજી પાર્ટીને વોટ આપતા હતા, પરંતુ હવે એક ઈમાનદાર પાર્ટી સામે આવી છે. જ્યારે હું જેલમાં હતો ત્યારે તેઓએ અમારા ધારાસભ્યને ખરીદવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા.
આપણ વાંચો: અરવિંદ કેજરીવાલે આ કારણોને આગળ ધરીને વચગાળાના જામીનમાં માંગ્યો આટલા દિવસનો વધારો ….
તેમણે દિલ્હીથી પંજાબ સુધીની સરકારોને તોડી પાડવાની ધમકી આપી હતી. પરંતુ અમે એવા કટ્ટર પ્રમાણિક છીએ કે અમારા એક પણ ધારાસભ્યએ પક્ષપલટો કર્યો નથી. અમે દિલ્હીમાં સરકારી શાળાઓને ઉત્તમ બનાવી છે અને ખાનગી શાળાઓમાં ગુંડાગીરી પણ બંધ કરી છે.
છેલ્લા ૧૦ વર્ષમાં કંવર પાલે જગાધરી માટે એક પણ કામ કર્યું હોય તો મને કહો, તો પછી તમે તેમને કેમ મત આપો છો. જગાધરી પિત્તળના વાસણોનું હબ હતું, પરંતુ ભાજપે તમને ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને બાળકોને નશાની લત આપી. મોટો દાવો કરતા તેમણે કહ્યું કે હરિયાણામાં જે પણ સરકાર બનશે તે આમ આદમી પાર્ટીના સમર્થન વિના નહીં બને. આદર્શ પાલ સમગ્ર હરિયાણામાં જગાધરીથી પ્રથમ બેઠક જીતશે.