પ્રેમનો કરુણ અંજામ: 600 કિમી દૂરથી આવેલી પ્રેમિકાને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી
બાડમેરમાં સરકારી શિક્ષકે કરી પ્રેમિકાની હત્યા, સોશિયલ મીડિયા પરની મિત્રતાનો કરુણ અંજામ

જયપુર: રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક હત્યાનો કિસ્સો જાણીને તમારા પણ રૂંવાટા ઊભા થઈ જશે. એક સરકારી શિક્ષકે પોતાની પ્રેમિકાની લોખંડના સળિયા વડે હત્યા કરી નાખી હતી, જેમાં ઝુનઝુનુની આંગણવાડી સુપરવાઇઝર મહિલા પ્રેમીને મળવા માટે જ્યારે 600 કિમીનું અંતર કાપીને બાડમેર પહોંચી ત્યારે તેને પ્રેમને બદલે મોત મળ્યું. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ સ્ટેશનની ટીમ, ડીએસપી, એએસપી, ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી આરોપી શિક્ષક આરોપી શિક્ષકની અટકાયત કરી હતી.
ફેસબૂકથી બંધાઈ હતી મિત્રતા
મળતી વિગતો અનુસાર બાડમેર જિલ્લાના ચવા ગામના શિક્ષક માનારામની ફેસબુક પર ઓક્ટોબર 2024માં 37 વર્ષીય મુકેશ કુમારી સાથે મિત્રતા બંધાઈ હતી. આ મિત્રતા ધીમે ધીમે મુલાકાતો અને પ્રેમમાં બદલાઈ ગઈ. મુકેશ કુમારી અવારનવાર ઝુનઝુનૂથી બાડમેર આવીને માનારામને મળતી હતી. આરોપી માનારામ પરિણીત છે અને તેની પત્ની સાથે તલાકનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મુકેશ કુમારીએ માનારામ પર લગ્ન માટે દબાણ કર્યું હતું અને આ મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો.
અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ
10 સપ્ટેમ્બરના રોજ તે પોતાની કાર લઈને ઝુનઝુનૂના ચિડાવાથી બાડમેર પહોંચી અને પ્રેમીના પરિવારજનોને મળવાની જીદ કરી. આથી તે ચવા પોલીસ ચોકી પણ પહોંચી ગઈ હતી. પોલીસે બંનેને બોલાવી સમજાવ્યા, ત્યારબાદ બંને બાડમેર પાછા ફર્યા. બાડમેર પાછા આવ્યા પછી, માનારામે બળદેવ નગર પાસે શિવાજી નગરના રૂમમાં મુકેશ કુમારીના માથા પર લોખંડના સળિયાથી હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. આરોપીએ લાશને મહિલાની અલ્ટો કારની ડ્રાઈવિંગ સીટ પર મૂકીને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આખી રાત તે આરામથી સૂઈ રહ્યો અને સવારે ઉઠીને તેણે પોતાના વકીલને કારમાં લાશ હોવાની જાણ કરી. ત્યારબાદ વકીલે પોલીસને જાણ કરી.
પતિથી છૂટાછેડા થઈ ગયા હતા
મૃતક મુકેશ કુમારીના લગભગ 9-10 વર્ષ પહેલા પતિથી છૂટાછેડા થઈ ગયા હતા. તે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી સુપરવાઈઝર હતી અને સીકર જિલ્લાના ખંડેલામાં ફરજ બજાવતી હતી. આરોપી માનારામ મહાત્મા ગાંધી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં શિક્ષક છે. હાલમાં પોલીસે મૃતદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રખાવ્યો છે. પરિવારજનોના આવવાની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ નોંધાયા બાદ મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહ મીણાએ જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો…રાજકોટમાં માતા બની કુમાતા, સંતાનમાં બીજી દીકરી જન્મતાં પાણીના ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી