હોબાળા બાદ સરકારની પીછેહઠ! સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ પાછો ખેંચાયો

નવી દિલ્હી: ભારત સરકારે તાજેતરમાં ભારતમાં વેચતા તમામ સ્માર્ટફોનના મેન્યુફેક્ચરરને સાયબર સિક્યોરિટી એપ્લિકેશન ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરવા ગુપ્ત રીતે આદેશ આપ્યા હતાં. એક અહેવાલમાં આ આદેશ અંગે જાણકારી બહાર આવી હતી, ત્યાર બાદ હોબાળો મચી ગયો હતો. હવે સરકારે આ આદેશને પાછો ખેંચી લીધો છે.
‘સંચાર સાથી’ એપ ફરજીયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાના સરકારના આદેશની વિપક્ષે ટીકા કરી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો કે રાજકીય વિરોધીઓ અને નાગરીકો પર દેખરેખ રાખવાના ઈરાદે આ આદેશ આપવામાં આવ્યો છે. ટેકનોલોજીના જાણકારોએ યુઝર્સની પ્રાઈવસી અંગે સવાલો ઉઠાવ્યા હતાં.
આ પણ વાંચો : Apple તેના ડિવાઈસીસમાં ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ નહીં કરે
યુએસની જાયન્ટ સ્માર્ટફોન મેન્યુફેક્ચરર એપલ સહીત ઘણી કંપનીઓ સરકારના આદેશને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહી હતી. એવામાં સરકારે પીછેહઠ કરી છે અને આદેશ પાછો ખેંચ્યો છે.
સરકારે જણાવ્યું હતું કે, ‘સંચાર સાથી’ એપ ડાઉનલોડ કરનારા યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે, 24 કલાકમાં છ લાખથી વધુ વાર એપ ડાઉનલોડ થઇ હતી અને કુલ યુઝર્સની સંખ્યા 1.4 કરોડ પર પહોંચી છે. સરકારે જણાવ્યું હતું કે, પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ “આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે હતો”.
આ પણ વાંચો : ‘સંચાર સાથી’ એપ ડિલીટ કરી શકાશે કે નહીં? વિવાદ બાદ કેન્દ્રીય પ્રધાને કરી સ્પષ્ટતા
સિંધિયાએ કરી સ્પષ્ટતા:
સંચાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે જો કોઈ યુઝર તેના ફોન પર એપ્લિકેશન ન ઇચ્છે તો તેને ડિલીટ કરી શકે. આજે સવારે સંસદમાં પણ તેમણે આ વાત કહી.
આજે સવારે સિંધિયાએ લોકસભામાં જણાવ્યું હતું કે, “સંચાર સાથી એપથી જાસૂસી શક્ય નથી અને ન તો ક્યારેય થશે. અને હું તેને અન્ય કોઈપણ એપની જેમ ડિલીટ કરી શકું છું… કારણ કે લોકશાહીમાં દરેક નાગરિકને આ અધિકાર છે.”



