8 કલાકના માત્ર 112 રૂપિયામાં એસી, વાઈ-ફાઈ સાથેનો રૂમ, જાણો કોણ લઈ શકશે લાભ ?

નવી દિલ્હી: દેશભરના બસ, ટ્રક અને ટેક્સી ડ્રાઈવરો માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ‘અપના ઘર’ નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ નેશનલ હાઈવે પર લાંબી યાત્રા કરતા ડ્રાઈવરોને સુરક્ષિત અને સસ્તું આરામ સ્થળ પૂરું પાડવાનો છે. આ યોજના ડ્રાઈવરોની કામની સ્થિતિ સુધારવા અને માર્ગ અકસ્માતો ઘટાડવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના સહયોગથી આ યોજના દેશભરમાં અમલમાં મૂકવામાં આવી છે.
‘અપના ઘર’ યોજના
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યુ કે, નેશનલ હાઈવે પર થતા મોટાભાગના અકસ્માતો ડ્રાઈવરોને પૂરતો આરામ અને ઊંઘ ન મળવાને કારણે થાય છે. ‘અપના ઘર’ યોજના હેઠળ દેશના 250 પેટ્રોલ પંપો પર આરામની સુવિધાઓ શરૂ કરવામાં આવશે. આ સુવિધાઓ ખાસ કરીને લાંબા અંતરની યાત્રા કરતા ડ્રાઈવરો માટે તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ યાત્રા દરમિયાન પુરતો આરામ કરી શકે અને સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે.
આ પણ વાંચો: ભુજમાં પીએમ આવાસ યોજનામાં ₹ 40,000ની લાંચ લેતા ગ્રામસેવક ઝડપાયો, આસિસ્ટન્ટ ફરાર
‘અપના ઘર’ કેન્દ્રોમાં ડ્રાઈવરો માટે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં એર-કન્ડિશન્ડ રૂમ, આરામદાયક બેડ, વાહન પાર્કિંગની જગ્યા, સ્વચ્છ શૌચાલય, ગરમ અને ઠંડા પાણીની સુવિધાવાળા બાથરૂમ, ખાણીપીણીની વ્યવસ્થા અને જાતે ભોજન બનાવવાની સગવડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાઈ-ફાઈ અને ઢાબા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ બધુ એટલા માટે છે કે ડ્રાઈવરોને યાત્રા દરમિયાન ઘર જેવો આરામદાયક અનુભવ મળે.
‘અપના ઘર’ યોજનાની ખાસ ઓફર
આ યોજનાની ખાસિયત એ છે કે ‘અપના ઘર’નું ભાડું ખૂબ જ નજીવું રાખવામાં આવ્યું છે. ડ્રાઈવરોને 8 કલાકના રોકાણ માટે માત્ર 112 રૂપિયા ચૂકવવા પડશે. ખાસ વાત એ છે કે, જો કોઈ ડ્રાઈવર નિયત પેટ્રોલ પંપ પર 50 લીટરથી વધુ ડીઝલ ભરાવે, તો તેને આ સુવિધા સંપૂર્ણપણે મફત મળશે. આ સુવિધાને મોબાઈલ એપ દ્વારા અથવા સીધા ‘અપના ઘર’ કેન્દ્ર પર જઈને બુક કરી શકાશે, જે ડ્રાઈવરોની સુવિધા માટે ખૂબ જ ઉપયોગી છે.
આ પણ વાંચો: પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા
આ યોજના ખાસ કરીને દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે જેવા વ્યસ્ત હાઈવે પર શરૂ કરવામાં આવી છે, જ્યાં માલવાહક ટ્રકોની અવરજવર વધુ હોય છે. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરોનો થાક એ માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ છે. ‘અપના ઘર’ આ સમસ્યાને દૂર કરવા માટે એક અસરકારક ઉપાય છે. આ યોજના દેશભરમાં ધીમે-ધીમે વિસ્તરશે, જેનાથી લાંબી યાત્રા કરતા ડ્રાઈવરોને મોટી રાહત મળશે અને માર્ગ સુરક્ષા પણ વધશે.