નેશનલ

છેલ્લા ત્રણ વર્ષમાં લઘુમતીઓ પર હુમલાનાં 140 બનાવો; પણ સરકાર પાસે નથી કોઇ ડેટાબેઝ…

નવી દિલ્હી: લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો સંસદમાં ચર્ચાયો હતો. આ રાજ્યસભામાં CPIM સાંસદ જોન બ્રિટાસે આ અંગે લઘુમતી બાબતોના મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું લઘુમતીઓ પરના હુમલાઓ અંગે કેન્દ્રિય ડેટાબેઝ જાળવવામાં આવે છે કે કેમ અને નથી જાળવવામાં આવતા તો શું કારણ તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં લઘુમતીઓ પર થયેલા હુમલાઓની વિગતો માંગી હતી.

CPIM સાંસદ જોન બ્રિટાસે પૂછ્યો પ્રશ્ન

છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકારને લઘુમતીઓ પર હુમલા સંબંધિત 140 અરજીઓ મળી છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સોમવારે રાજ્યસભામાં આ માહિતી આપવામાં આવી હતી. CPIM સાંસદ જોન બ્રિટાસે આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓ સંબંધિત ડેટાબેઝ વિશે માહિતી માંગી હતી. તેમના જવાબમાં લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર પાસે લઘુમતીઓ વિરુદ્ધના ગુનાઓનો કોઈ કેન્દ્રીય રેકોર્ડ નથી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM) દ્વારા પ્રાપ્ત અરજીઓનો રેકોર્ડ જાળવવામાં આવે છે.

દિલ્હીમાં સૌથી વધુ 34 અરજી

રાષ્ટ્રીય લઘુમતી આયોગનાં આંકડા અનુસાર, 2021-22માં સૌથી વધુ 51 અરજીઓ, 2022-23 અને 2023-24માં 30 અરજીઓ નોંધાઈ હતી. જ્યારે વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 29 અરજીઓ મળી છે. જો અરજીઓને પ્રદેશવાર જોવામાં આવે તો, દિલ્હીમાં સૌથી વધુ 34 અરજીઓ મળી હતી. ઉત્તર પ્રદેશમાંથી 29 અરજીઓ આવી હતી. મહારાષ્ટ્રમાંથી 10, મધ્યપ્રદેશમાંથી 8, પશ્ચિમ બંગાળમાંથી 7, પંજાબમાંથી 7, હરિયાણામાંથી 7, કેરળમાંથી 6 અને કર્ણાટકમાંથી 6 અરજીઓ આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષ 2021-22માં 1 અને 2023-24માં 1 ઘટના નોંધાઈ હતી.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને ભેટ આપી, સાત વર્ષ બાદ પગાર ભથ્થામા મોટો વધારો

કોનો સમાવેશ થાય છે લઘુમતીઓમાં?

રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ, 1992 હેઠળ, ભારતમાં 6 સમુદાયો કે જેમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને પારસીઓ લઘુમતીનો દરજ્જો ધરાવે છે. કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, ‘લઘુમતી બાબતોનું મંત્રાલય છ સૂચિત લઘુમતી સમુદાયોના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે યોજનાઓ લાગુ કરે છે.’ આ યોજનાઓ લઘુમતી સમુદાયોના નબળા વર્ગો માટે છે. જોકે, સાંસદ જોન બ્રિટાસે મંત્રીના જવાબની ટીકા કરી હતી અને તેમણે કહ્યું કે લઘુમતી હુમલાઓ પર કેન્દ્રીયકૃત ડેટાબેઝ જાળવવાનો ઇનકાર એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે હાલની પ્રથાઓની વિરુદ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button