પાન મસાલા અને સિગારેટના ભાવ વધશે! સરકાર રજુ કરશે આ મહત્વનું બિલ

નવી દિલ્હી: આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, આ સત્ર દરમિયાન સરકાર ઘણાં મહત્વના બીલ રજુ કરી શકે છે. આ દરમિયાન પાન મસાલા અને તમાકુની અન્ય પ્રોડક્ટ્સ પર વધારાનો સેસ લાદવા માટે એક બિલ રજુ કરવામાં આવી શકે છે.
અહેવાલ મુજબ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં ‘હેલ્થ સિક્યોરિટી સે નેશનલ સિક્યોરિટી સેસ’ વસૂલવા માટે એક બિલ રજૂ કરી શકે છે. આ સેસનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય માટેના ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે.
અહેવાલ મુજબ, આ બિલમાં પાન મસાલા પર તાત્કાલિક સેસ લાદવાની જોગવાઈ હશે, ત્યાર બાદ સિગારેટ અને તમાકુના અન્ય ઉત્પાદનો (બીડી સિવાય) જેવા અન્ય હાનિકારક ઉત્પાદનો પર પણ લાગુ કરવામાં આવી શકે છે. જાહેર કલ્યાણના હિતમાં કોઈપણ વસ્તુને આ સૂચિમાં ઉમેરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હશે.
આ સેસ બિલ ઉપરાંત, સરકાર વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(FDI) લિમીટ 74% થી વધારીને 100% કરવા માટે ધી ઈન્સ્યોરન્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2025 પણ રજૂ કરી શકે છે.
પ્રસ્તાવિત હેલ્થ સિક્યોરિટી સે નેશનલ સિક્યોરિટી સેસ બિલ અનુસાર, ચોક્કસ વસ્તુઓની ઉત્પાદન ક્ષમતા પર સેસ લગાવવામાં આવશે.
જો પાન મસાલાનું ઉદાહરણ લઈએ તો જો કોઈ પ્રોડક્શન યુનિટ પ્રતિ મિનિટ 2.5 ગ્રામના 500 પાઉચ ઉત્પાદનની ક્ષમતા ધરાવતું હોય, તો તેના પર પ્રતિ મશીન દર મહિને ચોક્કસ રૂપિયા સેસ વસૂલવામાં આવી શકે છે. ઉત્પાદન ક્ષમતામાં વધારો તેમજ દરેક પાઉચ, પેકેટ, ટીન, અથવા કન્ટેનરમાં ચોક્કસ માલના વજન મુજબ સેસ દર વધી-ઘટી શકે છે.
આ પણ વાંચો…દિલ્હીમાં કમલા પસંદ પાન મસાલાના માલિકના પુત્રવધૂની આત્મહત્યા, જાણો સુસાઇડ નોટમાં શું લખ્યું?



