ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારા સામે સરકારે કરી લાલ આંખ, મેટા અને એક્સની માંગી મદદ

Bomb Hoax Threat: કેન્દ્ર સરકારે બોમ્બના ખતરાના બોગસ કોલ અને સંદેશાને ગંભીરતાથી લીધા છે. આ કાવતરા પાછળ રહેલા લોકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે, સરકારે મેટા અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવા કૉલ અને સંદેશા અંગે જાણકારી શેર કરવા જણાવ્યું છે.
સરકારે શું કહ્યું?
સરકારે કહ્યું કે, ફેક કોલ જનતા માટે ખતરો છે અને તેની ઓળખ કરવા માટે બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપનીનો પણ સહયોગ માંગવામાં આવ્યો છે. સરકારના ટોચના સૂત્રો મુજબ, કેટલાક લોકોની ઓળખ કરવામાં આવી છે. જે ઉડાનોને ટાર્ગેટ કરી બોમ્બ હોવાનો ફેક કૉલ કરતા હતા. આ મામલે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ફેક કૉલ અને સંદેશ ક્યાંથી આવ્યા અને તેની પાછળ કોનો હાથ છે તે સરકારે સ્પષ્ટ કર્યું નથી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, સરકારે મેટા અને એક્સને આવા ફેક કૉલ અને મેસેજ સંબંધિત ડેટા શેર કરવા વિનંતી કરી છે. આ મામલો જનતાના હિતમાં હોવાથી કંપનીઓએ પણ સહયોગ આપવો પડશે.
તાજેતરમાં અનેક ફ્લાઇટમાં બોમ્બ હોવાના ફેક કૉલ અને સંદેશ મળ્યા હતા. 170 જેટલી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલે આઠ અલગ-અલગ ફરિયાદ દાખલ કરાઈ છે. જે ફ્લાઈટ્સને ધમકી મળી છે, તેમાં અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે જેના કારણે કંપનીઓને કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ થયો હતો.