દિલ્હી બ્લાસ્ટ કેસના કવરેજ અંગે સરકારે ન્યૂઝ ચેનલોને આપી કડક ચેતવણી! જાણો શું કહ્યું

નવી દિલ્હી: 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ અને ફરીદાબાદમાં પકડાયેલા ખતરનાક ટેરર મોડયુલ હાલ ભારતીય મીડિયામાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે. ટેરર મોડયુલ સાથે જોડાયેલા આરોપીઓ અંગે ઘણા અહેવાલો પ્રકાશિત થઇ રહ્યા છે, એવામાં કેન્દ્ર સરકારે દિલ્હી બોમ્બ બ્લાસ્ટના કવરેજ અંગે ખાનગી ટેલિવિઝન ન્યુઝ ચેનલો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ચેનલોને સંયમ રાખવાની સલાહ આપી છે.
દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરનાર સુસાઈડ બોમ્બર ઉમર નબીનો એક વિડીયો ગઈ કાલે સોશિયલ મીડિયા પર શેર થયો હતો, જે ઘણી ન્યુઝ ચેનલો પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. વિડીયોમાં આરોપી ઉમર આત્મઘાતી હુમલાને યોગ્ય ઠેઅવી રહ્યો હતો. હવે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી ન્યુઝ ચેનલોને આવા પ્રકારને વિડીયો ન બતાવવા જણાવ્યું છે.
આપણ વાચો: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: અલ ફલાહ ટ્રસ્ટ પર EDની મોટી કાર્યવાહી, દિલ્હીથી ફરીદાબાદ સુધી દરોડા
જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચી શકે છે:
ગઈ કાલે 18 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં પ્રસારણ મંત્રાલયે લખ્યું કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક ન્યૂઝ ચેનલો લાલ કિલ્લા બોબ્મ વિસ્ફોટ સાથે સંકળાયેલા કથિત શખ્સ સંબંધિત કેન્ટેન્ટનું પ્રસારણ કરી રહી છે, જેમાં શખ્સ હિંસાત્મક કૃત્યોને યોગ્ય ઠેરવી રહ્યો છે. તે વિસ્ફોટક સામગ્રી કેવી રીતે બનાવવી તે અંગે માહિતી આપી રાજ્યો છે.
એડવાઈઝરીમાં લખવામાં આવ્યું કે આવા પ્રસારણ અજાણતા હિંસાને પ્રોત્સાહન આપી શકે છે અથવા ઉશ્કેરી શકે છે, જેને કારણે જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચી શકે છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું થઇ શકે છે. તમામ ટેલિવિઝન ચેનલોને સલાહ આપવામાં આવે છે આવા મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરતી વિવેકબુદ્ધિ અને સંવેદનશીલતા દાખવવી.
આપણ વાચો: લાલ કિલ્લા બ્લાસ્ટ મોડ્યુલ: તપાસમાં ખુલ્યા ડો.શાહીન સઈદના પાસપોર્ટના રહસ્યો
નિયમોનું પાલન કરવા કડક સુચના:
ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મદદ મળે અને પ્રોત્સાહન આપી શકે તેવા દ્રશ્યોનું પ્રસારણ ટાળવા ન્યુઝ ચેનલોને સલાહ આપવામાં આવી. અશ્લીલ, બદનક્ષીભર્યું, ઇરાદાપૂર્વક જુઠ્ઠું. અથવા અર્ધસત્ય ધરાવતું કંઈપણ કન્ટેન્ટ બ્રોડકાસ્ટ ન કરવું.
મંત્રાલયે ચેનલોને જણાવ્યું કે બ્રોડકસ્ટર્સે કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 હેઠળ કાર્યક્રમ અને જાહેરાત કોડનું કડક પાલન કરવું. આવા વિડીયોનું પ્રસારણ કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, ખાસ કરીને નિયમો 6(1)(d), 6(1)(e), અને 6(l)(h)નું ઉલ્લંઘન કરી શકે છે.
પાકિસ્તાન દુરુપયોગ કરી શકે છે:
અધિકારીઓને જણાવ્યું કે સમાચારમાં બતાવવામાં આવતા કન્ટેટ પર નજર રાખવી જરૂરી છે. પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઓનલાઈન ફેક ન્યુઝ ફેલાવીને ભારતીય યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા એકાઉન્ટ્સ ટેલિવિઝન ચેનલોમાંથી થોડી ક્લિપ્સ એડિટ કરીને ખોટી રીતે રજુ કરે છે.
ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદ ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પણ આવી જ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.



