પહેલગામ હુમલાની સર્વપક્ષીય બેઠકમાં સરકારે માની સુરક્ષા ચૂક, કહ્યું તપાસ કરીશું

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી. આ બેઠક સમાપ્ત થયા બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્વીકાર્યું કે સુરક્ષામાં ચૂક થઈ છે. તેમણે કહ્યું, આ ઘટના કેવી રીતે બની અને ભૂલ ક્યાં થઈ તેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી. અમારા અધિકારીઓએ તરફથી જણાવવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતે બની.
સર્વપક્ષીય બેઠકમાં સરકારે સુરક્ષા ચૂક સ્વીકારી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, જે જગ્યાએ આ હુમલો થયો તે મુખ્ય માર્ગ પર નથી. બધું બરાબર હોવા છતાં એક સુરક્ષા ચૂક થઈ છે અને દરેક વ્યક્તિ આનાથી દુઃખી છે. અમે શોધીશું કે ચૂક ક્યાં થઈ. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બધા પક્ષના નેતાઓએ એક સ્વરમાં કહ્યું છે કે સરકાર જે પણ પગલાં લેશે, અમે તેનું સમર્થન કરીશું. કેટલાક મુદ્દાઓ પણ સામે આવ્યા, જેના પર સ્પષ્ટતા આપવામાં આવી.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે
રાજકીય પક્ષોએ પોતાના વિચારો રજૂ કર્યા
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, “આ ખૂબ જ દુઃખદ ઘટના છે. છેલ્લા ઘણા વર્ષોથી, લોકો કાશ્મીરમાં શાંતિથી પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા. પ્રવાસીઓ આવી રહ્યા હતા, પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. બધા રાજકીય પક્ષોએ પોતાના વિચારો રજૂ કર્યા અને એક વાત બહાર આવી કે દેશે એક થવું જોઈએ અને એક અવાજમાં બોલવું જોઈએ. બધા પક્ષોએ કહ્યું છે કે તેઓ સરકાર સાથે છે.
રાહુલ ગાંધીએ કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે
આ સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, બધાએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. વિપક્ષે તમામ કાર્યવાહીમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે સરકારને ખાતરી આપી હતી કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે છે.