નેશનલ

દવાઓ અને ઇન્સ્યુલિનથી મેળવ્યો છુટકારો? અમિત શાહે જણાવી પોતાની ફિટનેસ સિક્રેટ

નવી દિલ્હી: વિશ્વ લીવર દિવસ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક કાર્યક્રમમાં તેમના સ્વાસ્થ્યને લઈને મોટી વાત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમના જીવનમાં મોટા ફેરફારો થયા છે અને તેનાથી તેમના શરીર અને બ્રેઇનને ઘણો ફાયદો થયો છે. અમિત શાહે કહ્યું કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં એવી દિનચર્યા અપનાવી કે જેમાં હવે તેમને દવાઓ કે ઇન્સ્યુલિનની જરુર જ નથી રહેતી. તેમણે દેશના યુવાનોને સારી દિનચર્યા અપનાવવાની અપીલ કરી અને તેમને સ્વસ્થ રહેવા માટે ટિપ્સ આપી હતી.

5 વર્ષમાં મારા જીવનમાં મોટો ફેરફાર કર્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલીયરી સાયન્સ (ILBS) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા અંગે સલાહ આપી હતી. ગૃહ પ્રધાને મહાત્મા બુદ્ધનો એક પ્રસંગ કહીને યુવાનોને સમજાવ્યા હતા. કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું, ‘મે 2020 થી આજ સુધી, મેં મારા જીવનમાં મોટો ફેરફાર કર્યો છે. શરીરને પૂરતી ઊંઘ, પૂરતો ખોરાક, પૂરતું પાણી અને નિયમિત કસરત આપીને મેં મારા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. હું મારો અનુભવ શેર કરવા આવ્યો છું. આ સાડા ચાર વર્ષમાં હું લગભગ બધી એલોપેથિક દવાઓ અને ઇન્સ્યુલિનથી મુક્ત થઈ ગયો છું.

તેમણે કહ્યું, વિશ્વ લીવર દિવસ પર, હું ખાસ કરીને દેશના યુવાનોને અપીલ કરું છું જેમને હજુ બીજા 40-50 વર્ષ જીવવાનું છે અને દેશના વિકાસમાં યોગદાન આપવાનું છે. હું યુવાનોને કહેવા માંગુ છું કે શરીર માટે 2 કલાક અને મગજ માટે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ કરવાથી ઘણા બધા ફેરફારોનો અનુભવ થશે. તેમણે આગળ કહ્યું, ‘હું મારો અનુભવ તમારી સાથે શેર કરી રહ્યો છું. જો ડૉ. શિવકુમાર સરીને મને 4 વર્ષ પહેલાં ફોન કર્યો હોત, તો હું અહીં ન આવ્યો હોત, કારણ કે ત્યારે હું અહીં વાત કરવાને લાયક જ નહોતો.

અમિત શાહે ભગવાન બુદ્ધનો પ્રસંગ વર્ણવ્યો

અમિત શાહે અહી ભગવાન બુદ્ધ સાથે જોડાયેલો એક પ્રસંગ વર્ણવ્યો હતો અને કહ્યું કે એકવાર એક માતા પોતાના બાળક સાથે બુદ્ધ પાસે આવી અને કહ્યું કે તે ખૂબ ગોળ ખાય છે, કૃપા કરીને તમે તેને સમજાવો, પછી બુદ્ધે એક અઠવાડિયા બાદ તેને આવવાનું કહ્યું હતું. એક અઠવાડિયા બાદ જ્યારે માતા પોતાના પુત્ર સાથે પાછી આવી, ત્યારે મહાત્મા બુદ્ધે પુત્રને કહ્યું કે વધારે ગોળ ન ખાઓ કારણ કે તેનાથી નુકસાન થશે. જ્યારે પુત્રની માતાએ બુદ્ધને પૂછ્યું કે તેમણે એક અઠવાડિયા પહેલા આ જ વાત કેમ ન કહી, ત્યારે બુદ્ધે જવાબ આપ્યો કે તે પણ ખૂબ ગોળ ખાતા હતા, તેથી તે તેની આદત સુધાર્યા બાદ જ સલાહ આપવા માંગતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button