બિહાર ભારતનું ક્રાઈમ કેપિટલ બની ગયું છે….રાહુલ ગાંધીએ ભાજપ-નીતિશ પર નિશાન તાક્યું…

પટના: બિહારની રાજધાની પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા થતાં ખળભળાટ મચી (Gopal Khemka murder case) ગયો છે, આ ઘટનાને કારણે ફરી એક વાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે એવામાં રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ નીતિશ કુમારની સરકારની ટીકા કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું, “પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ખુલ્લી હત્યાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભાજપ અને નીતિશ કુમારે મળીને બિહારને ભારતનું ક્રાઈમ કેપિટલ બનાવી દીધું છે. આજે બિહાર લૂંટ, ગોળીબાર અને હત્યાના ભય હેઠળ જીવી રહ્યું છે. અહીં આવા ગુના સામાન્ય બની ગયા છે, સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.”
આગામી વિધાનસભા ચૂંટણીમાં BJP અને JDU વિરુધ મતદાનની અપીલ કરતા રાહુલ ગાંધીએ લખ્યું, “બિહારના ભાઈઓ અને બહેનો, આ અન્યાય હવે વધુ સહન ન કરો. જે સરકાર તમારા બાળકોનું રક્ષણ કરી ન કરી શકે, તે તમારા ભવિષ્યની જવાબદારી લઈ શકે એમ નથી. દરેક હત્યા, દરેક લૂંટ, દરેક ગોળીબાર- પરિવર્તનનો પોકાર છે. હવે એક નવા બિહારનો સમય છે – જ્યાં પ્રગતિ હોય, ભય નહીં. આ વખતે મતદાન ફક્ત સરકાર બદલવા માટે નથી, પરંતુ બિહારને બચાવવા માટે કરો.”
આ પણ વાંચો : બિહારના પટનામાં મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા, પપ્પુ યાદવે કહ્યું બિહારમાં મહા ગુંડારાજ