હજ યાત્રા કરવા ઈચ્છુક ભારતીયો માટે ખુશ ખબર; સાઉદીએ હજ પોર્ટલ ફરી ખોલ્યું

નવી દિલ્હી: જુન મહિનામાં સાઉદી અરેબિયામાં શરુ થનારી હજ યાત્રા (Hajj pilgrimage) કરવા ઈચ્છુક ભારતીયો માટે ખુશ ખબર છે. સાઉદી હજ મંત્રાલય મીનામાં હાલમાં ઉપલબ્ધ સંખ્યાને આધારે હજ (નુસુક) પોર્ટલ ફરીથી ખોલવા માટે સંમત થયું છે, જેમાં સંયુક્ત હજ ગ્રુપ ઓપરેટર્સ (CHGOs) ના 10,000 યાત્રાળુઓને સમાવવામાં આવશે. લઘુમતી બાબતોના મંત્રાલય(MoMA)એ મંગળવારે આ જાણકરી આપી હતી.
લઘુમતી બાબતોના મંત્રાલય જણાવ્યું હતું કે, મંત્રાલએ એ CHGO ને તેમની પ્રક્રિયા વિલંબ વિના પૂર્ણ કરવા માટે તાત્કાલિક નિર્દેશો જાહેર કર્યા છે.
તાજેતરમાં જાહેર થયેલા એક અખબારી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયાએ મીનામાં અગાઉ ખાનગી ટૂર ઓપરેટરોને ફાળવેલા આવેલા ઝોન રદ કર્યા હતાં, ત્યાર બાદ લગભગ 52,000 ભારતીય હજ યાત્રા કરી શકશે કે નહી એ અનિશ્ચિત બન્યું છે. આ અહેવાલ બાદ આ જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે ભારતના હજ યાત્રીઓને રાહત મળી છે.
આપણ વાંચો: પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસમાં મોટી જવાબદારી મળવાની વાત વચ્ચે EDએ રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલ્યું
હજ યાત્રા માટે ભારત સરકારની તૈયારીઓ:
સરકારની 2025 માટેની હજ નીતિ અનુસાર, ભારતને ફાળવવામાં આવેલા કુલ હજ યાત્રીઓના ક્વોટામાંથી 70 ટકા હિસ્સો હજ સમિતિ ઓફ ઈન્ડિયાને ફાળવવામાં આવશે, જ્યારે બાકીનો હિસ્સો ખાનગી હજ ગ્રુપ ઓર્ગેનાઈઝર્સને ફાળવવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું છે કે સાઉદી અરેબિયા દ્વારા 2025 માટે ભારતને 1,75,025 (1.75 લાખ) નો ક્વોટા ફાળવવામાં આવ્યો હતો.
ગયા અઠવાડિયે, લઘુમતી બાબતોના મંત્રાલયના સચિવ ચંદ્ર શેખર કુમાર, સંયુક્ત સચિવ સીપીએસ બક્ષી સાથે, ભારતીય યાત્રાળુઓ માટે ચાલી રહેલી હજ તૈયારીઓની સમીક્ષા કરવા માટે જેદ્દાહની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી.