નેશનલ

સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરનાર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કરાયો

કેન્દ્ર સરકારે સોમવારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા નોટિસ પણ બહાર પાડવામાં આવી છે જેમાં કહેવાયું છે કે ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ગોલ્ડીને આતંક ફેલાવવા માટે સરહદ પાર આતંકવાદી એજન્સીઓનું સમર્થન મળે છે. અનેક હત્યાઓના કાવતરામાં તે સામેલ થયો છે. રાષ્ટ્રવાદી નેતાઓને ફોન કરીને ધમકાવવા, તેમની પાસેથી ખંડણી માગવી, તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાના દાવા કરવા, જવાબદારીઓ લેવી વગેરે તેની મુખ્ય પ્રવૃત્તિઓ રહી છે. ગોલ્ડી બ્રાર સરહદ પારથી ડ્રોન દ્વારા આધુનિક હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરીમાં સામેલ હતો. તે આ હથિયારો શાર્પ શૂટરોને હત્યાને અંજામ આપવા માટે સપ્લાય કરતો હતો.

મંત્રાલયે જણાવ્યું હતું કે ગોલ્ડી બ્રાર અને તેના સહયોગીઓ પંજાબમાં તોડફોડ કરવા, આતંકવાદી મોડ્યુલ ગોઠવવા, લક્ષ્યાંકિત હત્યાઓ અને અશાંતિ ફેલાવવામાં, સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવામાં, કાયદો અને વ્યવસ્થા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચવામાં સામેલ હતા.

કેનેડા સ્થિત આતંકવાદી ગોલ્ડી બ્રારે વર્ષ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ સ્વીકારી હતી. નોંધનીય છે કે મે 2022માં પંજાબના માનસા જિલ્લામાં મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મૂઝવાલાની હત્યાના થોડા દિવસો પછી, ઇન્ટરપોલે જૂન 2022માં ગોલ્ડી બ્રારના પ્રત્યાર્પણ માટે રેડ કોર્નર નોટિસ (RCN) જારી કરી હતી.

ગોલ્ડી બ્રારનું વતન પંજાબના મુક્તસર સાહિબમાં છે. તે માંડ 30 વર્ષનો છે. તે સ્ટુડન્ટ વિઝા લઈને કેનેડા ભાગી ગયો હતો અને ત્યાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગોલ્ડી પોલીસે તેના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ સિવાય નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ બ્રાર સાથે જોડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button