સોનાના ભાવમા સતત થઇ રહ્યો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ…

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમા અમેરિકન ટેરિફ વોરની અસરો વચ્ચે સોનામાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં દિલ્હીમાં સોનાના ભાવમાં સતત પાંચ દિવસ વધારો અટક્યો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ વચ્ચે શુક્રવારે દિલ્હીમાં સોનાનો ભાવ 1,350 રૂપિયા ઘટીને 93,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જેના કારણે પાંચ દિવસના રેકોર્ડ વધારાનો અંત આવ્યો. ગુરુવારે 99 ટચ સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 94,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યો હતો.
વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ લાદવામાં આવ્યા બાદ સુરક્ષિત રોકાણની માંગમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, દેશના વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માહિતી અનુસાર સાંજે 7:05 વાગ્યે સોનાના ભાવમાં 671 રૂપિયાનો ઘટાડો થયો છે. જે પછી ભાવ ઘટીને 89,386 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું 907 રૂપિયા ઘટીને 89,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું. એક દિવસ પહેલા સોનું 90,057 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું.
ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો
બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાંજે 7:05 વાગ્યે, ચાંદીનો ભાવ 3,419 રૂપિયા ઘટીને 90,980 રૂપિયા થઈ ગયો. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીના ભાવમાં 3,542 રૂપિયાનો ઘટાડો થયો હતો અને ભાવ 90,857 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો.