‘દારૂ પીને ગુરૂદ્વારા જતા, ગંદી હરકતો..’ ભગવંત માનની પુત્રીના ચોંકાવનારા આક્ષેપ
પંજાબ: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આગામી સમયમાં એક મોટા વિવાદમાં સપડાય તેવા સમાચાર મળી રહ્યા છે. તેમની પૂર્વ પત્ની અને તેમની પુત્રીએ તેમની સામે મોરચો માંડ્યો છે. સીએમ ભગવંત માનની પૂર્વ પત્નીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને કહ્યું હતું કે તેઓ એક વ્યસની વ્યક્તિ છે. પ્રીતે કહ્યું હતું કે પોતે ટૂંક સમયમાં એક એવો વીડિયો પૉસ્ટ કરશે જેમાં માન સાહેબ દારૂ પીને નગ્ન થઈને ડાન્સ કરી રહ્યા છે. ભગવંત માનની દીકરી સીરત કૌરએ પણ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ દારૂ પીને ગુરુદ્વારા જાય છે, અને અશિષ્ટ હરકતો કરે છે.
શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ હાલમાં જ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સીરત કૌરનો વીડિયો બતાવ્યો હતો. આ વીડિયોમાં સીરત કહી રહી છે કે સીએમ ભગવંત માને લોકોને તેમના છૂટાછેડા વિશે એવું જણાવ્યું હતું કે તેમના રાજનીતિમાં આવવાના કારણે તેમણે પત્નીથી છૂટાછેડા લીધા હતા. પરંતુ એવું નથી, તે બંનેના છૂટાછેડા ઘણા કારણોસર થયા હતા, જેની એક અલગ વાર્તા છે, જે ફક્ત મારી માતા જ કહી શકે છે. છૂટાછેડા લીધા બાદ ભગવંત માને તેની અને તેના ભાઈની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. જો કોઈ વ્યક્તિ પરિવારની-બાળકોની જવાબદારીઓ નિભાવી શકતો નથી તો તેને પંજાબ ચલાવવાની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવે? સીએમ માન પહેલેથી જ 2 બાળકો પેદા કરેલા છે અને હવે ત્રીજા બાળકના પિતા બનવા જઇ રહ્યા છે તેવું સીરતે વીડિયોમાં જણાવ્યું હતું.
“તેઓ નશાની હાલતમાં ગુરુદ્વારા જાય છે, વિધાનસભામાં જાય છે. એક પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ નશાની હાલતમાં પહોંચ્યા હતા. પોતે હવે તેમને સીએમ માન તરીકે સંબોધિત કરશે કેમકે પાપા કહેવાનો હક તેણે લાંબા સમયથી ગુમાવી દીધો છે. આ વીડિયો બનાવવા પાછળ મારો કોઈ રાજકીય ઈરાદો નથી. હું માત્ર મારી વાત બહાર આવે તેવું ઈચ્છું છું. લોકોએ અમારા વિશે જે કંઈ સાંભળ્યું છે તે સીએમ માને જ લોકોને જણાવ્યું છે, અમારો પક્ષ કોઇએ સાંભળ્યો નથી. અમારી વાર્તા કોઇને ખબર નથી. અમે વિવાદ ન થાય એટલે મૌન જાળવ્યું હતું. પણ મને લાગે છે કે અમારું મૌન અમારી નબળાઇ તરીકે લેવામાં આવ્યું છે. તેઓ જાણતા નથી કે અમારા મૌનને કારણે જ તેઓ હાલમાં ઉચ્ચ હોદ્દા પર છે.” તેવું સીરતે કહ્યું હતું.
સીરત કૌરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
સીરત કૌરે તેના ભાઇ દોશાનને ભગવંત માનના ઘરમાં આવતો રોકવામાં આવ્યો તેવું પણ વીડિયોમાં જણાવ્યું છે. તેણે કહ્યું હતું કે, “દોશાન તેના પિતા સાથે સમય પસાર કરવા માંગતો હોવાથી સીએમ માનને મળવા બે વખત પંજાબ ગયો હતો. પરંતુ દોશાનને સીએમ હાઉસમાં આવવાની મંજૂરી આપવામાં આવી નહીં. આવું 2 વખત થયું. તેમ છતાં જ્યારે તે ફરી પાછો સીએમ હાઉસ ગયો ત્યારે તેને ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું.” સીરતે ઉમેર્યું.
સીરત કૌર હાલમાં 23 વર્ષની છે, તેનું આખું બાળપણ પંજાબમાં વીત્યું હતું. ત્યારબાદ 2015માં માતાપિતાના છૂટાછેડા થતા તે તેની માતા અને ભાઈ સાથે અમેરિકા ગઈ, જ્યાં તે વોશિંગ્ટનમાં રહી હતી. તેણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો. સીરત પંજાબી, હિન્દી, અંગ્રેજી અને ઇટાલિયન ભાષાઓ પર સારું પ્રભુત્વ ધરાવે છે.
સીરત કૌર સામાન્ય રીતે રાજકારણ અને લાઇમલાઇટથી દૂર રહે છે, તેણે ભગવંત માનના બીજા લગ્નમાં પણ તેના ભાઇ સાથે હાજરી આપી હતી. જો કે હવે અચાનક વીડિયો જાહેર કરીને તેણે આક્ષેપોનો વરસાદ કરતા પંજાબના રાજકારણમાં ખળભળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ તેના વીડિયોને શેર કરી રહ્યા છે, અને સીરત કૌર અચાનક જ ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે.