અયોધ્યા જઇ રહ્યા છો? તો જાણી લો રામ લલ્લાના દર્શન-આરતીનો સમય..
Ram Lalla Darshan: અયોધ્યામાં રામલલ્લાના આરતી તથા દર્શનના સમય વિશે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત પ્રવક્તા અને મિડીયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યા મુજબ શ્રી રામલલ્લા ની શ્રૃંગાર આરતી પરોઢિયે સાડા ચાર વાગ્યે, મંગળા આરતી સવારે સાડા છ વાગ્યે થશે. એ પછી ભક્તો માટે સાત વાગ્યે દર્શન ખોલવામાં આવશે.
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં પ્રભુ શ્રી રામના શ્રૃંગારથી લઈને શયન સુધીની તમામ વિગતો છે.દિવસમાં કુલ પાંચવાર શ્રી રામ લલ્લાની આરતી થશે. વહેલી સવારે સાડા ચાર વાગ્યાની શ્રૃંગાર આરતી એ પહેલી આરતી હશે, તે પછી સવારે સાડા છ વાગ્યે મંગળા આરતી, પછી 7 વાગ્યે દર્શન ખુલશે. એ પછી બપોરે 12 વાગ્યે પ્રભુને ભોગ ધરાવી તેની આરતી થશે. સંધ્યા આરતી સાંજે સાડા સાત વાગ્યે થશે, પછી ફરી રાત્રે આઠ વાગ્યે પ્રભુને ભોગ આરતી થશે. અંતે રાત્રે દસ વાગ્યે શયન આરતી થશે.
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ અયોધ્યામાં દરરોજ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રામ મંદિર પરિસર ભક્તોથી ખચોખચ ભરાયેલું જોવા મળી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક તંત્રને પણ ભક્તોની ભીડને મેનેજ કરવામાં તકલીફ પડી રહી છે.
સોમવારે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ તેનાં બીજા જ દિવસે એટલે કે મંગળવારે પાંચ લાખ જેટલા ભક્તોએ મંદિરના દર્શન કર્યા હતા. ભારે ભીડને પગલે યુપીના સીએમ યોગી આદિત્યનાથ રામ મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. એ પછી બુધવારે 2.5 લાખ ભક્તોએ મંદિરના દર્શન કર્યા હતા.
આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ જે દિવસે યોજાઈ હતી ત્યારે ભક્તોએ 3.17 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે 10 કાઉન્ટરો ખોલવામાં આવ્યા હતા. 22 જાન્યુઆરીએ સમારોહ બાદ ભક્તોએ કાઉન્ટર દાન અને ઓનલાઇન દાન મળીને 3.17 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.