ગોગામેડી હત્યાનાઃ આવા સંતાનને તો પોલીસે ગોળી મારી દેવી જોઈએ, કોણે કહ્યું આમ
જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના શૂટર નીતિન ફૌજીને તેના ફ્લેટમાં આશ્રય આપનાર લેડી ડોન પૂજા સૈનીની પોલીસે ધરપકડ કરી છે. પૂજાનાં માતા-પિતા તેમની દીકરીની આ ગુનામાં સંડોવણીના સમાચારો બાદ ખૂબ જ દુખી રહે છે, તેમ અહેવાલો જણાવે છે. તેનાં પિતાએ ત્યાં સુધી કહ્યું કે પોલીસ આવા સંતાનનું એન્કાઉન્ટર કરે તો પણ કોઈ અફસોસ થવો જોઈએ નહીં. જોકે તેમના આ વાતમાં પણ એક બાપનું હૃદય કેટલી વેદના અનુભવે છે તે સમજી શકાય છે.
પૂજા સૈની મૂળ ટોંક જિલ્લાના અલીગઢ શહેરની છે. છેલ્લા કેટલાક સમયથી તે જયપુરમાં કામ કરવાના નામે તેના પરિવારના સભ્યોને ગેરમાર્ગે દોરી રહી હતી. પૂજા તેના કહેવાતા પતિ હિસ્ટ્રીશીટર મહેન્દ્ર મેઘવાલ ઉર્ફે સમીર સાથે જયપુરના જગતપુરાની ઈન્કમટેક્સ કોલોનીમાં રહેતી હતી.
પૂજા અને મહેન્દ્રએ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના આરોપી નીતિન ફૌજીને તેમના ફ્લેટમાં એક અઠવાડિયા સુધી આશ્રય આપ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને પૂજા અને મહેન્દ્રના ફ્લેટમાંથી એક એકે 47નો ફોટો પણ મળ્યો હતો, જેના આધારે એવું માનવામાં આવે છે કે તે રાજુ થેહતની હત્યા કરવા માટે લાવવામાં આવ્યો હતો. પૂજાની ધરપકડ પછી, જ્યારે તેના પરિવારના સભ્યોને સમગ્ર મામલાની જાણ થઈ, ત્યારે તેઓ દીકરીના આ કારનામાથી ખૂબ જ દુઃખી થયા હતા.
લેડી ડોન તરીકે ઓળખાતી પૂજા સૈની પાંચ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. પૂજાએ તેનાં માતા-પિતાને જણાવ્યું હતું કે તે જયપુરના એરપોર્ટ પર એક કંપનીમાં કામ કરે છે. પૂજાની માતાનું કહેવું છે કે પૂજાએ તેના કામ વિશે વધુ કંઈ કહ્યું નથી.
લેડી ડોન પૂજા સૈની અને હિસ્ટ્રીશીટર મહેન્દ્ર મેઘવાલ ઉર્ફે સમીર જયપુરમાં પતિ-પત્નીની જેમ રહેતા હતા. ખાસ વાત એ છે કે પૂજાના માતા-પિતાને પૂજાના મહેન્દ્ર સાથેના લગ્ન કે સંબંધ વિશે કોઈ માહિતી ન હતી.
એક તરફ પૂજા જયપુરમાં લેડી ડોનની જેમ રહેતી હતી. જ્યારે તેનાં પરિવારના સભ્યો સખત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. માંદગીના કારણે પિતા ઘણા દિવસોથી કામ પર પણ જઈ શકતા નથી. સુખદેવ સિંહ ગોગામેડીના શૂટરને હથિયાર આપવાના કેસમાં પૂજાની ધરપકડ બાદ પૂજાના પિતા શંકરલાલ સૈનીએ કહ્યું કે તેને તેના ગુનાની સખત સજા મળવી જોઈએ. તેણે કહ્યું કે ભલે તે મરી જાય અથવા પોલીસ તેને મારી નાખે તો પણ તેને કોઈ અફસોસ નથી.