ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રવિ નાઈકનું નિધનઃ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પણજીઃ ગોવાના કૃષિ પ્રધાન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રવિ નાઈકનું મંગળવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે 79 વર્ષીય નાયક તેમના વતન પોંડામાં હતા, જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને પોંડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને રાત્રે 1 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તેમના પરિવારમાં તેમની પત્ની, બે બાળકો, એક પુત્રવધૂ અને ત્રણ પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે. તેમના અંતિમ સંસ્કાર બુધવારે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે, તેવી માહિતી મળી છે. નાઈકનો મૃતદેહ પોંડાના ખારપાબંધ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં હજારો લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હતા.
બે વાર બન્યા મુખ્ય પ્રધાન
નાઈક મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP), કોંગ્રેસ અને ભાજપ સહિત વિવિધ પક્ષોના ઉમેદવાર તરીકે સાત વખત (પોંડા વિધાનસભા મતવિસ્તારમાંથી છ વખત અને એક વખત માર્કાઈમ વિધાનસભા મતવિસ્તારમાંથી) ધારાસભ્ય રહ્યા હતા. તેઓ પહેલી વાર 1984માં પોંડા વિધાનસભા મતવિસ્તારમાંથી MGP ટિકિટ પર રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા હતા અને 1989માં તેમણે માર્કાઈમ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. નાઈક 1999, 2002, 2007 અને 2017માં કોંગ્રેસ ટિકિટ પર અને 2022માં ભાજપ ટિકિટ પર પોંડા વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ફરીથી ચૂંટાયા હતા. નાઈક બે વાર રાજ્યના મુખ્ય પ્રધાનપદ પર રહ્યા હતા.
મોદી-મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ
તેમના નિધનની ખબર બહાર આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ X પર લખ્યું, ગોવા સરકારના પ્રધાન રવિ નાઈકજીના નિધનથી દુઃખી છું. તેમને એક અનુભવી પ્રશાસક અને સમર્પિત સેવક તરીકે યાદ કરવામાં આવશે જેમણે ગોવાના વિકાસ માર્ગને સમૃદ્ધ બનાવ્યો. તેઓ ખાસ કરીને વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતા. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.
નાઈકને શ્રદ્ધાંજલિ આપતા, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે તેમનું નેતૃત્વ, નમ્રતા અને જાહેર કલ્યાણમાં યોગદાન હંમેશા યાદ રહેશે. સાવંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, છે કે આપણા વરિષ્ઠ નેતા અને કેબિનેટ પ્રધાન રવિ નાઈકજીના નિધનથી ખૂબ દુઃખ થયું. ગોવાના રાજકારણના દિગ્ગજ નેતા, મુખ્ય પ્રધાન અને મુખ્ય વિભાગોના પ્રધાન તરીકે તેમની દાયકાઓની સમર્પિત સેવાએ રાજ્યના શાસન અને લોકો પર અમીટ છાપ છોડી છે. તેમણે લખ્યું કે તેમનું નેતૃત્વ, નમ્રતા અને જાહેર કલ્યાણમાં યોગદાન હંમેશા યાદ રહેશે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.
આપણ વાંચો: પ્રશાંત કિશોર બિહારની ચૂંટણી નહીં લડે; આ કારણે લીધો મોટો નિર્ણય