નેશનલ

ગોવા નાઈટક્લબના ભાગેડુ માલિકો લુથરા ભાઈઓની થાઈલેન્ડમાં અટકાયત! ભારત પરત લાવવાની તૈયારી શરુ

ગોવા નાઈટક્લબ અગ્નિકાંડ મામલે મોટી સફળતા મળી છે, કાયદાકીય કાર્યવાહીથી બચવા ભારત છોડીને ભાગી ગયેલા મુખ્ય આરોપી સૌરભ લુથરા અને ગૌરવ લુથરાને થાઈલેન્ડમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. અહેવાલ મુજબ બંનેને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ગત રવિવારે મધ્યરાત્રિ બાદ ગોવાનાં આર્પોરા ખાતે આવેલા બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં લાગેલી આગની ઘટનામાં 25 લોકોએ જીવ ગુમાવ્યો હતો, સૌરભ લુથરા અને ગૌરવ લુથરા આ નાઈટક્લબના માલિક છે.

ઇન્ટરપોલે કરી મદદ:
ધરપકડના ડરે બંને રાતોરાત દેશ છોડીને થાઈલેન્ડના ફૂકેટ પહોંચી ગયા હતાં. થાઈલેન્ડમાં આરોપીઓને પકડવા માટે ગોવા પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)ની અરજી પર ઇન્ટરપોલે બંને વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

થઈલેન્ડમાં અટકાયત બાદ બંનેના દેશનિકાલ માટેની પ્રક્રિયા માટે ભારતીય અધિકારીઓ થાઇલેન્ડ સરકારના સાથે સંકલન કરી રહ્યા છે. બંનેને ભારત પરત લાવવામાં આવશે તો કાર્યવાહી ઝડપી બનશે અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળી શકશે.

કોર્ટમાં લુથરા ભાઈઓની દલીલો:
લુથરા ભાઈઓએ તેમના વકીલો મારફતે ગઈ કાલે બુધવારે દિલ્હીની એક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તાત્કાલિક રાહત આપી ન હતી, વધુ સુનાવણી આજે ગુરુવારે કરવામાં આવશે.

આગોતરા જામીન માટેની અરજીમાં લુથરા ભાઈઓએ દલીલ કરી છે કે તેઓ ક્લબના માલિક નથી, તેઓ માત્ર લાઇસન્સધારક છે. ક્લબના કામગીરી સ્ટાફ મેમ્બર્સ સંભળાતા હતાં, આ ઘટનામાં લુથરા ભાઈઓ જવાબદાર નથી.કોર્ટ સમક્ષ વકીલોએ દલીલ કરી હતી કે લુથરા ભાઈઓ દેશ છોડીને ભાગ્યા નથી તેઓ બિઝનેસ ટૂર પર છે.

લુથરા ભાઈઓના પાસપોર્ટ રદ થશે:
ગોવા સરકારે લુથરા ભાઈઓના પાસપોર્ટ રદ કરવા માટે ભારતનમાં વિદેશ મંત્રાલય (MEA)ને વિનંતીની કરી છે, જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાતે લાગેલી આગ સવારે ઓલવાય એ પહેલા જ લુથરા ભાઈઓ સવારે 5:30 વાગ્યાની ઇન્ડિગો 6E 1073 ફ્લાઇટમાં બેસીને થાઈલેન્ડના ફુકેત માટે નીકળી ગયા હતાં.

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતના જણવ્યા મુજબ આ ઘટનાનો તપાસ અહેવાલ આઠ દિવસમાં તૈયાર થઈ જશે.

આપણ વાંચો:  ખેડૂતોએ MLAનું માથું ફોડ્યું: રાજસ્થાનમાં તંગદિલી, ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button