Go Firstને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે તમામ 54 વિમાનોનું રજીસ્ટ્રેશન કર્યું કેન્સલ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે એરલાઈન કંપની Go Firstને મોટો ઝટકો આપ્યો છે, દિલ્હી હાઈકોર્ટે DGCA (Directorate General of Civil Aviation)ને હુકમ કર્યો છે કે તે પાંચ દિવસમાં જ એરલાઈન દ્વારા ભાડાપટ્ટા પર લીધેલા વિમાનોની ડિરજીસ્ટ્રેશન અરજીની પતાવટ કરે. આ સાથે જ કોર્ટે સંકટનો સામનો કરી રહેલી એરલાઈન કંપની ગો ફર્સ્ટના આ વિમાનોની ઉડાનો પર પણ સ્ટે લગાવી દીધો છે.
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ગો ફર્સ્ટના તમામ 54 વિમાનોનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવાનો હુકમ આપ્યો છે, કોર્ટના આ કડક વલણથી કંપનીની મુશ્કેલી વધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની હવે ફરીથી તેનું ઓપરેશન ચાલું કરી શકશે કેમ તે અંગે પણ શંકા છે.
ઉલ્લેખનીય છે કે આ નિર્દેશ ત્યારે આવ્યો છે જ્યારે પેમ્બ્રોક એવિએશન, એક્સીપિટર ઇન્વેસ્ટમેન્ટ્સ એરક્રાફ્ટ 2, EOS એવિએશન અને SMBS એવિએશન સહિતના એરક્રાફ્ટ ભાડે લેનારાઓએ મે 2023માં દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમના એરક્રાફ્ટને ફરીથી પ્રાપ્ત કરવાની મંજુરી માંગી હતી. શરૂઆતમાં DGCAએ કહ્યું હતું કે સ્ટેના કારણે તે વિમાનોને મુક્ત કરી શકશે નહીં, બાદમાં ડીજીસીએ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યું હતું.
હાઈકોર્ટમાં ચાલી રહેલા આ કેસની વચ્ચે સ્પાઈસ જેટના ચીફ અજય સિંહના ગ્રુપ અને શારજાહ સ્થિત સ્કાય વન દ્વારા ગો ફર્સ્ટને ખરીદવા માટે બોલી લગાવવામાં આવી હતી. અજય સિંહ અને બિઝી બી એરવેઝે એરલાઇન માટે રૂ. 1,600 કરોડની ઓફર કરી હતી, પરંતુ એરલાઇનના ધિરાણકર્તાઓએ હજુ નક્કી કર્યું નથી કે તેઓ કોની ઓફર સ્વીકારશે.