નેશનલવેપાર

વૈશ્વિક સોનામાં ટકેલું વલણઃ રોકાણકારોની નજર અમેરિકા-ચીન વચ્ચેની વેપાર વાટાઘાટો પર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન ખાતે આજે સત્રના આરંભે રોકાણકારોની નજર અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર હોવાથી હાજર અને વાયદામાં સોનાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 142નો સાધારણ સુધારો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. 96,000ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 897 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 897ની તેજી સાથે રૂ. 1,06,457ના મથાળે રહ્યા હતા. તેમ જ મધ્યસત્ર દરમિયાન સોનામાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવા છતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 142 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 95,622ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 96,006ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજર તેમ જ વાયદામાં ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ અનુક્રમે 3330.46 ડૉલર અને 3350.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 36.55 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.2 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી પણ સોનામાં સુધારો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હાલમાં વિશ્વના બે મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીનના વચ્ચે મહત્ત્વનાં ખનીજો પરનાં ટૅરિફના દરો અંગે વાટાઘાટો ચાલી રહી છે અને તેની ફળશ્રુતિની વૈશ્વિક અર્થથંત્ર પર અસર થાય તેમ હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું. જોકે, ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમારું વહીવટીતંત્ર ચીન સાથે સારી વાટાઘાટો કરી રહ્યું છે.

નોંધનીય બાબત એ છે કે ગયા મહિને અમેરિકા અને ચીને ઊંચા ટૅરિફ લાદવાનું મોકૂફ રાખતાં અમુક અંશે નાણાં બજારને રાહત મળી હતી. તેમ છતાં ગત મે મહિનામાં અમેરિકાની ટૅરિફની માઠી અસર પડતાં ચીનની નિકાસ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ રહી હતી અને ફેક્ટરી ગેટ ડિફ્લેશન બે વર્ષની નીચી સપાટીએ રહ્યું હોવાનું આર્થિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો -‏‏‎ સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

વધુમાં વૈશ્વિક રોકાણકારોની નજર આવતીકાલે (બુધવારે) જાહેર થનારા અમેરિકાનાં ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે. કેમ કે ફુગાવાન ડેટાની સીધી અસર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી 17-18 જૂનના રોજ યોજાનાર નીતિવિષયક બેઠક પર પડશે. જોકે ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં સાધારણ વધારો અપેક્ષિત છે, પરંતુ જો તેમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તો સોનામાં રોકાણકારોની સલામતી માટેની લેવાલી નીકળતા ભાવમાં ચમકારો જોવા મળી શકે છે, એમ ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા, નીચા વ્યાજદર તેમ જ ફુગાવામાં વધારાના સંજોગોમાં રોકાણકારોની સોનામાં સલામતી માટે લેવાલી રહેતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button