(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલે સમાપન થનારી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ વર્ષ 2025માં કેવી નાણાનીતિ અપનાવશે તેનાં અણસાર પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં નરમાઈનો અન્ડરટોન જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 323થી 324નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 514નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 514ના ઘટાડા સાથે રૂ. 89,001ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી સામે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં હાજરમાં વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂ. 323 ઘટીને રૂ. 76,277 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 324 ઘટીને રૂ. 76,584ના મથાળે રહ્યા હતા.
ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના હાજર અને વાયદામાં આૈંસદીઠ ભાવ ગઈકાલના બંધ આસપાસ અનુક્રમે 2653.43 ડૉલર અને 2671 ડૉલરના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 30.47 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આવતીકાલે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા બજાર વર્તુળો મુકી રહ્યા છે, જોકે બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ તેના વક્તવ્યમાં વર્ષ 2025ના પહેલા છમાસિકગાળામાં કેવું નીતિવિષયક વલણ અપનાવશે તેનાં નિર્દેશો પર બજારની મીટ હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જીગર ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ટેક્નિકલ કરેક્શન જોવા મળી શકે છે, પરંતુ તેને ખરીદીની તક ગણી શકાય.
Also Read – Onion માં ભાવમાં ઘટાડાના સંકેત, જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક
નોંધનીય બાબત એ છે કે ફેડરલની બેઠક આજથી શરૂ થઈ રહી છે, પરંતુ રેટ કટ અંગેના નિર્ણયની જાહેરાત આવતીકાલે (બુધવારે)થશે.જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 95.4 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે જાન્યુઆરી મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી માત્ર 16.3 ટકા શક્યતા ટ્રેડરો જોઈ રહ્યા છે.
જોકે, રોકાણકારોની નજર આગામી 19મી ડિસેમ્બરની બૅન્ક ઑફ જાપાન, બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ, રિક્સબૅન્ક અને નોર્જેસ બૅન્કની નીતિવિષયક બેઠક પર છે. તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ જો ફુગાવો બે ટકાની લક્ષ્યાંકિત સપાટી આસપાસ રહેશે તો આગામી વર્ષે વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. વધુમાં તાજેતરમાં વૈશ્વિક સોનાને મધ્યપૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સલામતી માટેની માગનો પણ ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.