ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન, CM યોગીએ આપી શ્રદ્ધાંજલિ
ગોરખપુરઃ માર્ચ 1950માં 17 વર્ષની વયે વિશ્વ પ્રસિદ્ધ ગીતા પ્રેસ સાથે જોડાઇને અંતકાળ સુધી કામ કરનાર ટ્રસ્ટી અને સામાજિક કાર્યકર બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે ગોરખપુર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર બનારસમાં ગંગા કિનારે કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
યોગી આદિત્યનાથે તેમના પુત્ર અને હાલમાં ગીતા પ્રેસના ટ્રસ્ટી દેવીદયાલ અગ્રવાલ સાથે ફોન પર વાત કરી હતી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શોક સંદેશમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગીતા પ્રેસમાં છેલ્લા 40 વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપતા બૈજનાથ અગ્રવાલનું જીવન સામાજિક જાગૃતિ અને માનવ કલ્યાણને સમર્પિત હતું. તેઓ ભગવાનના પ્રખર ભક્ત હતા. તેમના નિધનથી સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
ગીતા પ્રેસે તાજેતરમાં તેના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિની ઉજવણી કરી છે. ગીતા પ્રેસની આટલી લાંબી મુસાફરી પૂર્ણ કરવામાં બૈજનાથ અગ્રવાલે અમુલ્ય યોગદાન આપ્યું છે. ગીતા પ્રેસ ઓછા ખર્ચે ધાર્મિક પુસ્તકો પ્રકાશિત કરવા માટે જાણીતું છે.