મુંબઈ-કુશીનગર એક્સપ્રેસના એસી કોચમાંથી મૃત હાલતમાં બાળકી મળતા હડકંપ…

મુંબઈ-કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે યાત્રીઓ અને રેલવે તંત્રમાં હડકંપ મચાવી દીધો છે. ટ્રેનના એસી કોચના બાથરૂમમાં કચરાપેટીમાં એક પાંચ વર્ષની બાળકી મૃત હાલતમાં મળી આવી છે.
આ ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે, ઘટનાની જાણ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ ઘટના ગંભીર પ્રકૃતિની હોવાથી રેલવે અધિકારીઓ અને પોલીસ દ્વારા તેની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)થી કુશીનગર જતી એક્સપ્રેસ ટ્રેન (ગાડી નંબર 22537)ના એસી કોચ B2ના બાથરૂમમાં આ ઘટના બની હતી. બાથરૂમમાં રાખેલી કચરાપેટીમાં લગભગ પાંચ વર્ષની બાળકી મૃત હાલત જોવા મળી હતી.
જેના કારણે ટ્રેનમાં સવાર યાત્રીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. યાત્રીઓએ તરત જ આ અંગે રેલવે પોલીસ અને તંત્રને જાણ કરી, જે બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે મૃત દેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું છે. બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ મારી નાખી હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસને આ ઘટના પાછળ બાળકીના મૌસેરા ભાઈનો હાથ હોવાની શંકા છે. જે વિષય પર હાલ ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે.
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને આસપાસના લોકોના નિવેદનો નોંધ્યા છે. અપહરણ અને હત્યાના બંને દૃષ્ટિકોણથી તપાસ આગળ વધી રહી છે, જેથી આ દુઃખદ ઘટનાનું સત્ય બહાર આવે.
આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર યાત્રીઓમાં ભય અને અસંતોષનો માહોલ ફેલાયો છે. આવી ઘટનાઓથી રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આ મામલે ઝડપથી તપાસ પૂર્ણ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આ કેસમાં વધુ સ્પષ્ટતા લાવશે.
આ પણ વાંચો…ટ્રેનના એસી કોચ પર થાંભલો પડતા બાળક સહિત 4 લોકો ઘાયલ