દેશમાં દિવસેને દિવસે મહિલાઓ સાથે જાતીય સતામણી અને અત્ચાચારો વધી રહ્યા છે. પહેલા મધ્યપ્રદેશમાં સગીરા સાથે બળાત્કારની ઘટનાએ દેશમાં ખળભળાટ મચાવ્યો હતો અને હવે ચાલુ ટ્રેનમાં એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. આપણા મહિલાઓની સલામતિ હવે ફક્ત વાતો પૂરતી સીમિત રહી ગઇ હોય એવું આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે.
આ યુવતી ગરીબ રથ એક્સપ્રેસમાં જલંધરથી મોતિહારી પરીક્ષા આપવા જઇ રહી હતી. આ ટ્રેનમાં એક સફાઇકર્મીએ તેની સાથે છેડતી કરી. યુવતી તેની બહેનપણી સાથે હતી પરંતુ છેડતીને કારણે એટલી બધી ડરી ગઇ હતી કે તેણે 12 કલાક ભયમાં વિતાવ્યા અને ડરના માર્યા તે ઉંઘી પણ ન શકી. 550 કિમીની આ યાત્રા દરમિયાન સફાઇ કર્મી તેને આખી રાત હેરાન કરતો રહ્યો.
યુવતીએ પોલીસને જણાવ્યા મુજબ તે ગરીબ રથ એક્સપ્રેસના જી-વન કોચમાં યાત્રા કરી હતી તે દરમિયાન રાત્રે 9 વાગે ટ્રેન લખનૌ સ્ટેશન પર પહોંચી હતી, આ સ્ટેશને પહોંચ્યા બાદ એક સફાઇકર્મીએ સતત તેને હેરાન કરવાનું શરૂ કર્યું. તેણે યુવતીનો મોબાઇલ ચાર્જિંગમાંથી હટાવીને પોતાનો મોબાઇલ લગાવી દીધો. એ પછી તે યુવતીનો નંબર માગવા લાગ્યો, તેને ખાવાપીવાની વસ્તુ આપવા લાગ્યો. યુવતી સતત પજવણીથી ડરીને આખી રાત ત્રાસ સહન કરતી રહી.
જ્યારે સવાર પડી ત્યારે એક પોલીસકર્મીની નજર સફાઇકર્મીની હરકતો પર પડી, તેમજ અન્ય કેટલાક યાત્રાળુઓએ પણ તેની ફરિયાદ કરતા મુઝફ્ફરપુર એસપીને જાણ કરવામાં આવી હતી. મુઝફ્ફરપુર જંક્શન આવ્યા બાદ તેને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો. હવે આ મામલે પોલીસે FIR નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને