યુપીમાં યુવતીની હત્યાઃ મુદ્દો ધર્મ કે જાતિનો નહીં, યુવાનોમાં વધી રહેલી હિંસાત્મક વૃત્તિનો છે
લખનઉઃ તાજેતરમાં જ નવી મુંબઈના ઉરણમાં એક 22 વર્ષીય યુવતીની કરપીણ હત્યાનો મામલો ગરમાયો હતો. આ હિન્દુ યુવતીની હત્યા મુસ્લિમ યુવક દાઉદ શેખે કરી હતી, જે એક સમયે તેનો મિત્ર હતો. આ મામલાએ લવજેહાદનો મુદ્દો ફરી ઉછાળ્યો હતો ત્યારે હવે ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક મુસ્લિમ યુવતીને હિન્દુ પ્રેમીએ મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બહાર આવી છે. એક યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં પડે અને કોઈ કારણસર આગળ સાથ નિભાવવા ન માગે તો સમજદારીથી છુટ્ટા પડવાનું હોય છે, પરંતુ યુવાનોમાં જે રીતે પોતાના પ્રિયપાત્રને મારી નાખવાની વૃત્તિ વધી રહી છે, તે ચિંતાજનક છે. આવી ઘટનાઓને રાજકીય રંગ આપી ધર્મ જાતિ સાથે જોડવામાં આવે છે, પરંતુ આ મુદ્દાને મનોવૈજ્ઞાનિક રીતે ગંભીરતાથી લઈ તેના ઉકેલો તરફ જવાની જરૂર છે.
યુપીના બહેરાઈચ જિલ્લામાં નાનાપરા માર્ગ પર હાંડા બસેરી નામના વિસ્તારના ઝાડીઝાખરાંમાંથી એક કોહવાયેલી લાશ યુપી પોલીસને મળી હતી. આ લાશની હાલત ખૂબ ખરાબ હોઈ મૃત વ્યક્તિની ઓળખ મુશ્કેલ બની હતી. સ્થાનિક પોલીસ અધિકારીએ એક ખાસ ટીમ બનાવી મૃતકના અત્તાપત્તા માટે સઘન તપાસ ચાલુ કરી. ગુમ થયેલી છોકરીઓની યાદી પણ તપાસી. ત્યારે શીબા નામની એક યુવતીના ગુમ થયાની ફરિયાદ તેના પરિવારે કરી હતી. આ યુવતીના જમણા પગ પર કાળો દોરો બાંધ્યો હતો અને તેના પરથી તેની ઓળખ થઈ. મૃતક શીબા તેનાં મામા હસમત અલી સાથે જામોગ નામના ગામમાં રહેતી હતી.
આ પણ વાંચો: Yashashree Murder case: મહારાષ્ટ્રને કંપાવી દેનારા કેસમાં આવી મોટી અપડેટ
અહીં સ્કૂલમાં તેની ઓળખાણ અરૂણ નામના એક છોકરા સાથે થઈ હતી જે તેનાં ગામ પાસે રહેતો હતો. અરૂણ એક મેડિકલ શૉપમાં કામ કરતો હતો અને શીબા સાથે તેની ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી અને તેઓ ફોન પર વાતો કરતા હતા. બન્ને વચ્ચે પ્રેમ થયો પણ અલગ ધર્મના હોવાથી અરૂણ લગ્ન કરવા માગતો ન હતો. અરૂણના લગ્ન અન્ય ક્યાંક નક્કી થતા શીબાને તે છોડવા માગતો હતો, પરંતુ શીબા લગ્નની જીદ કરતી હતી. શીબાના મામાએ અરૂણને માર્યો હોવાનું પણ અહેવાલ જણાવે છે. આનો રસ્તો અરૂણે શોધ્યો અને મિત્ર કુલદીપ વિશ્વકર્મા સાથે મળી શીબાને એક સ્થળે મળવા બોલાવી અને ત્યાંથી તેને નિર્જન જગ્યા પર લઈ ગયો. પોલીસના કહેવા અનુસાર પહેલા તેનું ગળું દાબી તેને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ તેનું માથું શરીરથી જૂદુ કરી નહેરમાં ફેંકી દીધું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાત ધરી છે.
શીબાએ જીદ કરવી જોઈતી ન હતી, પરંતુ બન્નેએ અને બન્ને પરિવારોએ સાથે મળી જો મામલો સુલઝાવ્યો હોત તો એક જીવ બચી ગયો હોત. અગાઉ વસઈમાં પણ આ રીતે પોતાની એક્સ ગર્લફ્રેન્ડને યુવકે જાહેરમાં ચાકુના ઘા ઝીંકી મારી નાખી હતી. શ્રદ્ધા નામની યુવતીના લીવ ઈન પાર્ટનર આફતાબે 35 ટૂકડાં કર્યા હતા. તો ફેનીલ નામના યુવકે સુરતમાં એકતરફી પ્રેમમાં ગ્રિષ્મા નામની યુવતીનું પરિવાર સામે ચાકુથી ગળુ ચીર્યું હતુ. કમનસીબી તો એ છે કે ધર્મ કે જાતિ ગમે તે હોય આવા કિસ્સામાં મોત યુવતીના ભાગે જ આવે છે. કાયદો પોતાનુ કામ સખતપણે કરે તે જરૂરી પણ સાથે યુવકોમાં સંબંધો મામલે પરિપક્વતા આવે તે પણ એટલું જ જરૂરી છે.