પીએમ મોદીનું અરુણાચલ મિશન: કોંગ્રેસે અવગણના કરી અને અમે આપ્યો 'અષ્ટલક્ષ્મી'નો દરજ્જો | મુંબઈ સમાચાર
નેશનલ

પીએમ મોદીનું અરુણાચલ મિશન: કોંગ્રેસે અવગણના કરી અને અમે આપ્યો ‘અષ્ટલક્ષ્મી’નો દરજ્જો

ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશ, જે દેશના પ્રથમ સૂર્યોદયની ભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં ધીમે પગલે વિકાસ ડગલા ભરી રહ્યો છે. આજે ઈટાનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5,100 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેની ઉપેક્ષાએ પૂર્વોત્તરને નુકસાન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ અરુણાચલને ‘અષ્ટલક્ષ્મી’નો દરજ્જો આપીને તેના વિકાસની નવી સવારની શરૂઆત કરી, જે રાજ્યના લોકો માટે આશાનું કિરણ બન્યો છે.

વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ

ઈટાનગરના ઈન્દિરા ગાંધી પાર્ક ખાતે એક રેલીને સંબોધતા વડા પ્રધાન મોદીએ 5,100 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. જેમાં શિ યોમી જિલ્લામાં યારજેપ નદી પર બે મોટો જળવિદ્યુત યોજનાઓ અને તવાંગમાં એક કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ સામેલ છે. આ રેલી દરમિયાન તેમણે જણાવ્યું કે આ યોજનાઓ ડબલ એન્જિન સરકારના ફાયદા દર્શાવે છે, જે અરુણાચલને વીજળી ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનાવશે અને હજારો લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે. આ ઉપરાંત, નવરાત્રિના પ્રથમ દિવસથી લાગુ થયેલા જીએસટી સુધારાઓથી તહેવારોની સિઝનમાં લોકોને બેવડો લાભ મળશે.

સરહદી ગામોમાં આજે વીજળી અને જરુરી સુવિધા પહોંચી

મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેની સરકારોએ પૂર્વોત્તરને હંમેશાં ઉપેક્ષ્યું, ખાસ કરીને અરુણાચલ પ્રદેશને, કારણ કે અહીં માત્ર બે લોકસભા બેઠક છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે સરહદી ગામોની અવગણના કરી છે, જેના કારણે આ રાજ્યમાંથી લોકોનું સ્થાળાંતરણ વધ્યું છે. જ્યારે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સરકારે ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ દ્વારા 450થી વધુ સરહદી ગામોમાં રસ્તાઓ, વીજળી, ઈન્ટરનેટ અને પર્યટન સુવિધાઓ પૂરી પાડી છે, જે હવે પર્યટનના નવા કેન્દ્રો બની રહ્યા છે.

અરુણાચલમાં 180 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અરુણાચલમાં અશક્ય ગણાતા વિસ્તારોમાં હવે આધુનિક હાઇ-વે બન્યા છે, જેમાં સેલા સુરંગ રાજ્યની ગૌરવશાળી ઓળખ બની છે. હોલોંગી એરપોર્ટનું નવું ટર્મિનલ અને દિલ્હી સુધીની સીધી ફ્લાઇટ્સે વિદ્યાર્થીઓ, પર્યટકો અને ખેડૂતોની મુસાફરી સરળ બનાવી છે. 186 મેગાવોટની તાતો-I અને 240 મેગાવોટની હેઓ જળવિદ્યુત યોજનાઓથી રાજ્ય દર વર્ષે લગભગ 180 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, જે રાજ્યને આર્થિક રીતે મજબૂત બનાવે છે.

કેન્દ્રીય મંત્રીઓએ પૂર્વોત્તરની 800થી વધુ વખત મુલાકાત લીધી

મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની સરકારનો મંત્ર ‘નાગરિક દેવો ભવ’ છે, અને તેમનું ધ્યેય ‘નેશન ફર્સ્ટ’ છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં કેન્દ્રીય મંત્રીઓએ પૂર્વોત્તરની 800થી વધુ વખત મુલાકાત લીધી, જ્યારે તેમણે પોતે 70થી વધુ વખત અહીં આવ્યા છે. તવાંગમાં 145.37 કરોડની લાગતે બનનારું કન્વેન્શન સેન્ટર 1,500થી વધુ લોકોની ક્ષમતા ધરાવશે.
આ ઉપરાંત, કનેક્ટિવિટી, આરોગ્ય અને અગ્નિ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં 1,290 કરોડની યોજનાઓ શરૂ કરવામાં આવી. મોદીએ કહ્યું કે પૂર્વોત્તર હવે દિલ્હીથી દૂર નથી, કારણ કે સરકાર દિલ્હીને લોકોના દરવાજે લઈ આવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button