ગાઝિયાબાદ આત્મહત્યા કેસઃ ફોનમાં કોરિયન ગેમના પુરાવ નથી તો ડાયરીમાં કેમ ઉલ્લેખ કર્યો હશે?

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થોડા સમય પહેલા ત્રણ બાળકીઓએ આત્મહત્યા કરી હતી. ગાઝિયાબાદમાં ભારત સિટી સોસાયટીના B1 ટાવરના 9મા માળથી ત્રણ સગી બહેનોએ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક બહેનોના નામ નિશિકા (16), પ્રાચી (14) અને પાખી (12) છે. આ કેસમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, તેઓ કોરિયન ઓનલાઇન ગેમિંગ એપ્સની વ્યસની હતી અને પિતાએ ફોન છીનવી લીધો હોવાને કારણે તણાવમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ છે, હજી આ કારણ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી.
શું કોરિયન ગેમે આ દીકરીઓનો જીવ લીધો?
આત્મહત્યા પહેલાં ત્રણેય બહેનોએ રૂમ અંદરથી લોક કર્યો અને ડાયરીમાં સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, માતા સુજાતા અને પિતા ચેતન કુમારને ખબર પડતાં તેઓ પણ ભાંગી પડ્યાં હતાં.ત્રણેય દીકરીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ, ત્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. આ કેસની દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા, મોબાઈલ અને ગેમ બાળકોને પાંગળા કરી નાખે છે અને બાદમાં આવા પગલાં ભરે છે.
વીજળી બિલ ચૂકવવા ફોન વહેચ્યાંનો પિતાનો દાવો
પિતા ચેતન કુમારે જણાવ્યું કે ત્રણેય બહેનો છેલ્લા બે વર્ષથી શાળા જતી ન હતી અને મોબાઇલમાં કોરિયન ગેમ્સ રમતી હતી. પિતાનો દાવો એવો છે કે, વીજળી બિલ ચૂકવવા માટે તેમના ફોન્સ વેચી દીધા, જેનાથી તેઓ દુઃખી થઈ ગઈ હતી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, પોલીસને તપાસ દરમિયાન કોરિયન એપની કોઈ લીંક મળી નથી. જોકે, IMEI ટ્રેસિંગ અને ફોરેન્સિક રિપોર્ટની અત્યારે રાહ જોવાઈ રહી છે, જેમાં પછી આ આત્મહત્યા છે કે, હત્યા તેની જાણકારી મળી શકશે.
કોરિયન એપ્સ એક્સેસ કરવાના કોઈ પુરાવા મળ્યા નહીં
ઘટનાની રાત્રે, બહેનોએ તેમની માતાનો ફોન લીધો હતો પરંતુ તેના પર કોરિયન એપ્સ એક્સેસ કરી શક્યા ન હતા. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મોબાઇલ ફોન જપ્ત કર્યો, પરંતુ કોરિયન એપ્સ એક્સેસ કરવાના કોઈ પુરાવા મળ્યા નહીં. ફિંગરપ્રિન્ટ્સ, હસ્તલિખિત સુસાઇડ નોટ્સ અને સંદેશાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કોરિયન ટાસ્ક-આધારિત રમત પર પ્રતિબંધ મુકવા માંગ
કોઈના મોબાઈલમાંથી કોરિયન એપ કે ગેમના પુરાવા તો નથી મળ્યાં પરંતુ ઘટનાસ્થળેથી મળેલી નવ પાનાની પોકેટ ડાયરીમાં કોરિયન સંસ્કૃતિનો ઉલ્લેખ કરેલો જોવા મળ્યો છે. પોલીસ તમામ સંબંધિત પાસાઓની તપાસ કરી રહી છે અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. ત્રણેય બહેનોના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, ત્રણેય દીકરીઓના દાદાએ કોરિયન ટાસ્ક-આધારિત રમત પર પ્રતિબંધ મૂકવા માટે સરકારને વિનંતી કરી છે.



