નેશનલ

UPમાં કોરીયન ગેમની બંધાણી 3 સગીર બહેને 9મા માળેથી કૂદી આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં શું લખ્યું ?

નવી દિલ્હી: વર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ઓનલાઇન ગેમ્સ બાળકોના માનસપટ પર કેવી ગંભીર અસર કરી શકે છે, તેનો એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે. જે ઉંમરે બાળકોનું ભવિષ્ય ઘડાતું હોય છે, તે ઉંમરે ત્રણ સગી બહેનોએ એક ઓનલાઇન ગેમના રવાડે ચડીને મધ્યરાત્રિએ મરણિયું પગલું ભરી લીધું. આ ઘટનાએ વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં મંગળવારે રાત્રે આશરે 2 વાગ્યે કંપારી છૂટી જાય તેવી ઘટના બની. અહીં રહેતી ત્રણ સગી બહેનો—નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ)—એ બી-1 ટાવરના 9મા માળે આવેલા પોતાના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. આ ત્રણેય બહેનો એટલી હદે એકબીજા સાથે જોડાયેલી હતી કે તેઓ જમવાનું, સૂવાનું અને શાળાએ જવાનું પણ સાથે જ કરતી હતી, અને કમનસીબે મોતનો માર્ગ પણ તેમણે સાથે જ પસંદ કર્યો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય બહેનોને ઓનલાઇન ગેમ્સની ગંભીર લત હતી. તેઓ ‘કોરિયન લવ ગેમ’ જેવી ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. કોરોનાકાળ દરમિયાન લાગેલા મોબાઈલના વળગણને કારણે તેઓ અભ્યાસમાં પણ અનિયમિત થઈ ગઈ હતી. પરિવાર દ્વારા મોબાઈલ ગેમ રમવાની મનાઈ કરવામાં આવતા તેઓ માનસિક રીતે વિચલિત થઈ હતી અને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે.

આ આત્મહત્યા પાછળનું કારણ પોલીસને ઘટનાસ્થળેથી મળેલી 8 થી 10 પાનાની ડાયરીમાં છુપાયેલું હતું. આ સુસાઈડ નોટમાં ત્રણેય બહેનોએ પોતાની વેદના ઠાલવતા લખ્યું હતું કે, “મમ્મી-પપ્પા સોરી, અમે આ ગેમ છોડી શકતા નથી. આ કોરિયન ગેમ જ અમારી જિંદગી અને અમારો જીવ છે.” મૃતક બાળકિઓના પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેમની ત્રણેય દીકરીઓ છેલ્લા 3 વર્ષથી આ ગેમની લતે ચઢી હતી અને તેઓ કોરિયા જવાની વાતો કરતી હતી. વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મોટી બહેન અન્ય બે બહેનોને ટાસ્ક આપતી હતી અને તેઓ એટલી હદે માનસિક ગુલામ બની ગઈ હતી કે ખાવા-પીવાથી લઈને નહાવા સુધીના તમામ કામો સાથે જ કરતી હતી. પિતાએ અન્ય વાલીઓને આજીજી કરતા કહ્યું છે કે, જે તેમના બાળકો સાથે થયું તે કોઈની સાથે ન થાય, મહેરબાની કરીને બાળકોને મોબાઈલ ગેમથી દૂર રાખજો.

આ દુર્ઘટના બાદ પિતા ચેતન કુમાર સહિત આખો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. ઘરમાં એકસાથે ત્રણ દીકરીઓના મોતથી આખી સોસાયટીમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલો નોંધ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને કોઈ ચોક્કસ ‘ડેથ ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ, જેના કારણે તેમણે 9મા માળેથી મોતની છલાંગ લગાવી.

આપણ વાંચો:  પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભૂકંપ, બાંગ્લાદેશ સુધી અનુભવ્યા આંચકા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button