કોરિયન ગેમ કે પારિવારિક તણાવ? મોબાઈલ તપાસથી ખુલશે ત્રણ બહેનોના મોતનું રહસ્ય

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે ડિજિટલ યુગમાં બાળકોની માનસિક સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગત 4 ફેબ્રુઆરીના રોજ એક હાઈરાઈઝ એપાર્ટમેન્ટના નવમા માળેથી ત્રણ સગી બહેનોએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટના માત્ર એક આત્મહત્યા નથી, પરંતુ ઓનલાઇન દુનિયા પ્રત્યેનું આંધળું વળગણ અને ઘરની અંદર ચાલતા માનસિક સંઘર્ષની એક ભયાનક વાસ્તવિકતા છે. પોલીસ તપાસમાં હવે એવા પુરાવા સામે આવી રહ્યા છે જે આ કેસની દિશા બદલી રહ્યા છે.
શું ઓનલાઇન કોરિયન ગેમ બની મોતનું કારણ?
આ કેસમાં નિશિકા (16), પ્રાચી (14) અને પાખી (12) નામના ત્રણ બહેનોના કરુણ મોતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. તેમના પિતા ચેતન કુમારનો દાવો છે કે ત્રણેય દીકરીઓને છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ટાસ્ક-બેઝ્ડ ઓનલાઇન કોરિયન ગેમની લત લાગી હતી. આ વ્યસન એટલું હદ બહાર વધી ગયું હતું કે તેમણે શાળાએ જવાનું પણ છોડી દીધું હતું. જોકે, પોલીસે હાલમાં પિતાએ વેચેલો મોબાઈલ ફોન રિકવર કર્યો છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે જેથી જાણી શકાય કે ખરેખર કોઈ ગેમ તેમને મજબૂર કરી રહી હતી કે કેમ.
ડાયરીના નવ પાનામાં છુપાયેલી વ્યથા
પોલીસને તપાસ દરમિયાન બાળકીઓના રૂમમાંથી એક ડાયરી મળી આવી છે, જે તેમના મનની સ્થિતિનું દર્પણ છે. આ ડાયરીમાં કોરિયન સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો અતિશય લગાવ સ્પષ્ટ દેખાય છે. ડાયરીમાં અંગ્રેજીમાં લખાયેલું છે કે, “અમને કોરિયન પસંદ છે… તમારા માર કરતા મોત વધુ સારું છે… સોરી પપ્પા.” આ શબ્દો સૂચવે છે કે ઘરમાં મળતી શારીરિક સજા અને તેમની પસંદગીઓ પરના પ્રતિબંધોને કારણે તેઓ ખૂબ જ તણાવમાં હતી. તેઓના મનમાં ભારતીય સંસ્કૃતિમાં લગ્ન કરવા જેવી બાબતોને લઈને પણ આક્રોશ હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આત્મહત્યાના થોડા દિવસો પહેલા જ પિતાએ તેમના મોબાઈલ ફોન છીનવીને વેચી દીધા હતા. આ પગલાથી બાળકીઓ તેમના ઓનલાઇન કોરિયન મિત્રો અને ગેમિંગની દુનિયાથી છૂટા પડી ગયા હતા, જેના કારણે તેઓ ઊંડા અવસાદમાં સરી પડી હોવાનું મનાય છે. નવમા માળેથી કૂદવા માટે તેમણે સીડીનો ઉપયોગ કર્યો હતો, જે દર્શાવે છે કે આ કોઈ આકસ્મિક ઘટના નહીં પણ પૂર્વ આયોજિત પગલું હતું. હાલ પોલીસ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે જેથી આ આત્મહત્યા પાછળના સાચા કારણો પરથી પડદો ઉઠી શકે.
આપણ વાંચો: રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન: વિવિધ માંગણીઓ સાથે ખેડૂત-શ્રમિકો દ્વારા આજે ભારત બંધ



