નેશનલ

ગાઝિયાબાદ સુસાઇડ કેસ: યુવતીઓની ડાયરીમાંથી થયા ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી હતી, જ્યાં ‘ભારત સિટી સોસાયટી’ના નવમા માળેથી કૂદીને ત્રણ સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યા પાછળ કોઈ આર્થિક તંગી કે પારિવારિક ઝઘડો નહીં, પરંતુ વિદેશી સંસ્કૃતિ અને ખાસ કરીને કોરિયન ડ્રામા પ્રત્યેનું પાગલપન જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી મળેલી ડાયરીમાં જે ખુલાસા થયા છે તે વાંચીને તપાસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટના આજના સમયમાં સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મના વધતા પ્રભાવની ઘાતક બાજુ રજૂ કરે છે.

પોલીસે જ્યારે રૂમનો દરવાજો તોડી તપાસ કરી ત્યારે ત્યાંથી અંગ્રેજીમાં લખાયેલી એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં યુવતીઓએ પોતાની અંતિમ લાગણીઓ ઠાલવતા લખ્યું છે કે, “અમને કોરિયન કલ્ચર, એક્ટર્સ અને કે-પોપ (K-Pop) પ્રત્યે એટલો લગાવ હતો કે તેના વિના જીવવું અશક્ય હતું.” ડાયરીમાં પિતાને ઉદ્દેશીને લખ્યું છે કે, “તમે અમને કોરિયન ડ્રામાથી દૂર કરવા માંગતા હતા, લો હવે પુરાવો જોઈ લો કે અમે તેમને કેટલો પ્રેમ કરતા હતા. કોરિયન એક્ટર્સ અને કે-પોપ ગ્રુપ કરતા અમને અમારા ઘરના સભ્યો પણ વહાલા નથી.”

આ યુવતીઓ પર કોરિયન સંસ્કૃતિનું વળગણ એટલું હદ સુધી હતું કે તેમણે પોતાના ભાઈ સાથે પણ દુશ્મની બાંધી લીધી હતી. ડાયરી મુજબ, તેઓ તેમના ભાઈને પણ કોરિયન નામથી બોલાવવા અને તેને પણ એ જ રંગમાં રંગવા માંગતી હતી. જ્યારે માતા-પિતાએ ભાઈને કોરિયન નામથી બોલાવવાની ના પાડી અને તેને અભ્યાસ પર ધ્યાન આપવા કહ્યું, ત્યારે ત્રણેય બહેનોએ તેને પોતાનો દુશ્મન માની લીધો હતો. તેમણે ભાઈને સ્પષ્ટ કહી દીધું હતું કે, “અમે કોરિયન અને કે-પોપ છીએ અને તું ઇન્ડિયા અને બોલીવુડ છે.”

આત્મહત્યાનું સૌથી મુખ્ય અને વિચિત્ર કારણ એ હતું કે આ ત્રણેય બહેનો માત્ર કોરિયન યુવકો સાથે જ લગ્ન કરવા ઈચ્છતી હતી. તેમને ડર હતો કે તેમના માતા-પિતા તેમના લગ્ન કોઈ ભારતીય યુવક સાથે કરાવી દેશે. ડાયરીમાં તેમણે લખ્યું છે કે, “અમે કોરિયનને પ્રેમ કરીએ છીએ અને લગ્ન ભારતીય સાથે કરવા પડે? ક્યારેય નહીં! લગ્નના નામથી જ અમને ટેન્શન થતું હતું. માર ખાવા કરતા અમને મોત વહાલું લાગ્યું, એટલે અમે આ પગલું ભર્યું છે.”

ડાયરીમાં યુવતીઓએ પોતાની મનપસંદ વસ્તુઓની લાંબી યાદી આપી છે, જેમાં કોરિયન ડ્રામા ઉપરાંત ચાઈનીઝ, થાઈ અને જાપાનીઝ ફિલ્મો તેમજ અનેક વિદેશી એનિમેશન કાર્ટૂન્સ અને હિંસક ગેમ્સ (જેવી કે ઇવિલ નન, આઈસક્રીમ મેન ગેમ) નો સમાવેશ થાય છે. આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ વાસ્તવિક દુનિયાથી કપાઈને એક કાલ્પનિક ડિજિટલ દુનિયામાં જીવી રહી હતી. આ ઘટના માતા-પિતા માટે એક લાલબત્તી સમાન છે કે તેમના બાળકો ઈન્ટરનેટ પર શું જોઈ રહ્યા છે અને તે તેમના માનસ પર કેવી અસર કરી રહ્યું છે.

આપણ વાંચો:  દિલ્હીમાં જામશે વિશ્વભરના દિગ્ગજોનો મેળાવડો: ‘ઇન્ડિયા-AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું આયોજન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button