ગેનીબેન ઠાકોર લોકસભામાં ઉઠાવ્યો ચાંદીપૂરા વાયરસનો મુદ્દો

નવી દિલ્હી: ગુજરાતમાં ચાંદીપૂરા વાયરસનો ભારે કહેર જોવા મળી રહ્યો છે અને સરકાર વાયરસના ફેલાવા પર નિયંત્રણ મેળવવા મામલે નિષ્ફળ રહ્યું છે. આ દરમિયાન ચાંદીપૂરા વાયરસનો મુદ્દો લોકસભામાં ઉઠ્યો હતો. ગુજરાતમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે વડાપ્રધાન અને આરોગ્યમંત્રીને વિનંતી કરી હતી.
આજે લોકસભામાં ચર્ચા દરમિયાન ગેનીબેન ઠાકોરે સૌપ્રથમ બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે લોકસભામાં મારુ પ્રથમ સંબોધન છે અને જેના માટે હું મારા સંસદીય ક્ષેત્રની જનતનો આભાર માંનું છું. જેને મને પંચાયતથી લઈને પાર્લીમેન્ટ સુધી આવવાનો મોકો આપ્યો. આ દરમિયાન તેમણે ગુજરાતમાં કહેર વરતાવી રહેલા ચાંદીપૂરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે મારા મતવિસ્તાર બનાસકાંઠા સહિત ગુજરાતમાં આ દિવસોમાં ચાંદીપૂરા વાયરસનો કહેર વરતાવી રહ્યો છે. ગુજરાતના અલગ લગ જિલ્લાઓમાં 84 કેસો સામે આવ્યા છે અને ચાંદીપૂરા વાયરસથી અત્યારસુધીમાં 37 બાળકોના મોત થઈ ચૂક્યા છે. આંકડાઓ અનુસાર આ વાયરસની ઝપેટમાં આવેલા 100 માંથી માત્ર 15 ટકા દર્દીને જ બચાવી શકાયા છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતના અમદાવાદ,વડોદરા, ખેડા, બનાસકાંઠા, સુરત, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ફેલાય રહ્યો છે. આ વાયરસ રોજેરોજ વધતો જઈ રહ્યો છે. વાયરસ નાના બાળકોને જ ઝપેટમાં લેતો હોવાથી ખૂબ જ ભયંકર મનાઈ રહ્યો છે. આ વાયરસને જો રોકવામાં ન આવ્યો તો કોરોના જેવી મહામારી ફેલાવાની દહેશત છે. આ માટે તેમણે વડાપ્રધાન અને આરોગ્ય પ્રધાનને આ મામલે ઠોસ કદમ ઉઠાવવા માટે વિનંતી કરી હતી.