ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્રે ઓર્કેસ્ટ્રા સાથે કરી ઓપરેશન સિંદુરની સરખામણી, કહ્યું દરેકે તાલથી તાલ પુરાવ્યો…

નવી દિલ્હી: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે NDIM (ન્યૂ દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ)ના દીક્ષાંત સમારોહમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન સારી રીતે સમજી ગયું છે કે તે હવે ભારતને સીધા યુદ્ધમાં હરાવી શકે તેમ નથી. આ હકીકત સ્વીકારીને, તે હવે ભારતની આંતરિક સુરક્ષામાં ખલેલ પહોંચાડવા માટે ‘પ્રોક્સી વૉર’ અને બનાવટી લડાઈઓનો આશરો લઈ રહ્યું છે. દિલ્હીમાં થયેલો ધમાકો પણ પોતાની હાજરી બતાવવાની તેની આ જ કોશિશનો એક ભાગ હતો.
જનરલ દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે દિલ્હીમાં થયેલો તાજેતરનો વિસ્ફોટ પણ ભારતને અસ્થિર કરવાના પાકિસ્તાનના આ જ બદઈરાદાનો એક ભાગ હતો, જેના દ્વારા તે પોતાની હાજરી દર્શાવવા માંગતું હતું.
જનરલ દ્વિવેદીએ દેશની બદલાયેલી સુરક્ષા પરિસ્થિતિ પર સંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, “મને ખુશી છે કે આજે ભારત બદલાઈ ગયું છે.” આપણી સુરક્ષા તંત્ર પાકિસ્તાનની તમામ ગતિવિધિઓને સમય પહેલાં જ પારખી લે છે અને યોગ્ય સમયે ઑપરેશન હાથ ધરીને તેના કાવતરાં નિષ્ફળ બનાવે છે.
પાકિસ્તાની આતંકવાદીઓનો ઈરાદો ભારતના દરેક ખૂણામાં, ખાસ કરીને મુંબઈ જેવા મોટા શહેરોમાં, બોમ્બ ધમાકા કરીને અસ્થિરતા ફેલાવવાનો હતો. જોકે, ભારતે સમયસર પગલાં લઈને તેમની આ યોજનાઓને સફળ થવા દીધી નથી.
સેના પ્રમુખે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાને ભારતીય સશસ્ત્ર દળોની અસાધારણ ક્ષમતાનું ઉદાહરણ ગણાવ્યું. તેમણે આ ઑપરેશનને એક ‘વિશ્વાસ પાત્ર ઓર્કેસ્ટ્રા’ તરીકે વર્ણવ્યું, જ્યાં દરેક સભ્યએ સંપૂર્ણ તાલમેલ અને સુમેળ સાથે પોતાની ભૂમિકા ભજવી હતી. આ અદ્ભુત સંકલનને કારણે જ ભારતીય દળો માત્ર 22 મિનિટના ટૂંકા ગાળામાં આતંકવાદીઓના નવ ઠેકાણાંનો નાશ કરવામાં સફળ રહ્યા.
જનરલ દ્વિવેદીના મતે, આ કોઈ તાત્કાલિક નિર્ણય નહોતો, પરંતુ ખુફિયા માહિતી (ઇન્ટેલિજન્સ), સચોટતા અને ટેકનોલોજીને એકસાથે કાર્યવાહીમાં કેવી રીતે બદલી શકાય તેના પર વર્ષો સુધી કરાયેલી તૈયારીઓનું પરિણામ હતું.
ભારતે 7 મેના રોજ સવારે આ લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત અનેક આતંકવાદી માળખાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાને પણ ભારત પર હુમલા કર્યા હતા, પરંતુ ભારતની તમામ વળતી કાર્યવાહીઓ ઓપરેશન સિંદૂર હેઠળ જ કરવામાં આવી હતી.
આ સશસ્ત્ર સંઘર્ષ બે પરમાણુ-શક્તિ સંપન્ન દેશો વચ્ચે લગભગ 88 કલાક સુધી ચાલ્યો હતો. આખરે, 10 મેની સાંજે બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ આ સંઘર્ષ રોકાયો હતો, જે ભારતીય સેનાની નિર્ણાયક અને સફળ કાર્યવાહીની સાબિતી છે.
આપણ વાંચો: યુપીમાં ચૂંટણી પહેલા જ ગૌહત્યા સહીતના ગુનાઓમાં સંડોવાયેલા 73 ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ



