દર્શન હીરાનંદાનીને લોગીન અને પાસવર્ડ આપ્યો હતો, મહુઆ મોઇત્રાની કબૂલાત
ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ નિશિકાંત દુબેએ તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રા પર લગાવેલા ‘કેશ ફોર ક્વેરી’ના આરોપો અંગે શુક્રવારે મહુઆ મોઇત્રાએ મહત્વનું નિવેદન આપ્યંણ હતું. એક ઇન્ટરવ્યુમાં મહુઆ મોઇત્રાએ તેમની સામેના તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ આરોપ લગાવી શકે છે, પરંતુ તેને સાબિત કરવાની જવાબદારી હંમેશા ફરિયાદી પર રહે છે. સાથે સાથે તેમણે એ પણ કબૂલ્યું કે તેણે પોતાનું સંસદનું લોગિન આઈડી અને પાસવર્ડ દર્શન હિરાનંદાનીને આપ્યા હતા.
સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે તેમણે પોતાનું સંસદનું લોગિન અને પાસવર્ડ બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને આપ્યા હતા કારણ કે કોણ કરી શકે છે અને કોણ ના કરી શકે તે અંગે કોઈ નિયમ નથી. કોઈ પણ સાંસદ પોતે પ્રશ્નો પૂછતા નથી. લોગિન અને પાસવર્ડ તેમની ટીમ પાસે રહે છે. પરંતુ લોગઇન કરતા પહેલા એક ઓટીપી આવે છે, જે ફક્ત મારા ફોન પર જ આવે છે. તે દર્શનનો ફોન જતો નથી.
મહુઆ મોઈત્રાએ કહ્યું, મેં દર્શનને તેની ઓફિસમાંથી કેટલાક આસિસ્ટન્ટને ટાઈપ કરવા માટે કહ્યું હતું, કારણ કે મારી પાસે લખવા માટે પૂરતો સમય નહોતો. દરેક પ્રશ્ન મારા દ્વારા પૂછવામાં આવ્યો છે. દર્શન હિરાનંદાનીએ દુબઈથી લોગઈન કર્યાનો અને સુરક્ષા સાથે છેડછાડનો આરોપ હાસ્યાસ્પદ છે. દર્શન હિરાનંદાની એક મિત્ર અને ભારતીય નાગરિક છે. તેનો પાસપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો છે.
મેં જાતે સ્વિટ્ઝર્લૅન્ડથી લૉગ ઇન કર્યું હતું. મારી બહેનના દીકરાએ પણ કેમ્બ્રિજથી લોગ ઈન કર્યું હતું અને મારા પ્રશ્નો ટાઈપ કર્યા હતું. જો એનઆઈસીનું પ્રશ્ન-જવાબ પોર્ટલ એટલું સુરક્ષિત છે, તો શા માટે તમે આઈપી એડ્રેસ દ્વારા વિદેશથી લોગઇન અટકાવતા નથી?