“Raymond the complete man with incomplete family” પત્નીના ગૌતમ સિંઘાનિયા પર ગંભીર આરોપ
'મારા પતિ મને અને મારી દીકરીને મારતા…'
રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. રેમન્ડના ગૌતમ સિંઘાનિયાએ પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથે ડિવોર્સ લેવાની જાહેરાત કરીને સહુને ચોંકાવી દીધા હતા. પહેલા પિતા અને હવે તેમની પત્ની… એ તેમની સામે ગંભીર આરોપ લગાવ્યા છે. રેમન્ડ ગ્રૂપના એમડી અને અબજોપતિ બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયા પર તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ ગંભીર હુમલાનો આરોપ લગાવ્યો છે. નવાઝે તેની બે પુત્રીઓ નિહારિકા અને ન્યાસા માટે આશરે 11 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટીના 75 ટકા શેરની માંગણી કરી છે. એક ઈન્ટરવ્યુમાં નવાઝ મોદીએ તેના પતિ સાથેના સંબંધો, દિવાળી પાર્ટીની ઘટના અને બંને વચ્ચે અત્યાર સુધી બનેલા બનાવો વિશે વિગતવાર વાત કરી હતી.
નવાઝ મોદીએ કહ્યું હતું કે સિંઘાનિયાએ તેમના પર અને તેમની સગીર પુત્રી નિહારિકા પર હુમલો કર્યો હતો. તે સમયે નીતા અંબાણીએ તેમને બચાવ્યા હતા. આ ઘટના વિશએ વાત કરતા નવાઝે જણાવ્યું હતું કે 10 સપ્ટેમ્બરની સવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાને જન્મદિવસની પાર્ટી પછી ગૌતમે તેમની અને તેમની મોટીપુત્રી નિહારિકા પર હુમલો કર્યો હતો. એ સમયે નવાઝ તેમની બંને દીકરીઓ સાથે ઘરના એક રૂમમાં ભરાઇ ગયા હતા. તેમની પુત્રીએ પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસ પણ ગૌતમના ખિસ્સામાં હોવાથી મદદે નહોતી આવી.
નિહારિકાએ ગૌતમના પિતરાઇ ભાઇના પુત્ર વિશ્વરૂપને ફોન કરી મદદ માગી હતી. એ સમયે નવાઝ નીતા અને અનંત અંબાણી પાસે મદદ માગવામાં વ્યસ્ત હતા. ગૌતમે પોલીસને આવતા રોકી હતી, પરંતુ નીતા અને અનંત અંબાણીએ પોતાની વગથી પોલીસ મદદ પહોંચાડી હતી. અંબાણીના કહેવાથી આ ઘટનાની પોલીસે એફઆઇઆર પણ નોંધી હતી.
એ સમયે ગૌતમ સિંઘાનિયાએ નવાઝ મોદી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, “મારી બે સુંદર પુત્રીઓના હિતમાં, હું મારા પરિવારની ગરિમા જાળવવા માંગુ છું. હું કોઈપણ પ્રકારની ટિપ્પણી નહીં કરું. કૃપા કરીને મારી ગોપનીયતાનું સન્માન કરો.”
આ ઘટના બાદ નવાઝે તેની સાસુને ફરિયાદ કરી હતી. તેમના સાસુએ જણાવ્યું હતું કે, ‘ગૌતમે પરિવારના દરેક સભ્ય સાથે આવું કર્યું છે. તેને ખુલ્લો પાડવો જોઈએ.’ પારિવારિક હિંસામાં ઘાયલ થયેલા નવાઝે દીકરીઓને તેમના પિતાના ઘરે છોડી રિલાયન્સ હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લીધી હતી.
નવાઝને રેમન્ડ્સ કંપનીની થાણેમાં જેકે ગ્રામ ખાતે આયોજિત દિવાળી પાર્ટીમાં જતા અટકાવવામાં આવ્યા હતા. નવાઝે એમ પણ જણાવ્યું હતું કે કંપનીની બૉર્ડ મીટિંગમાં તેઓ કંપનીમાં ચાલતી ગંદી રમતોનો ભાંડોફોડ કરવા માગતા હતા , જેને કારણે તેમની સાથે હિંસા આચરવામાં આવી હતી. તેમના ઘરના નોકરો પણ ગૌતમની હકીકતોથી વાકેફ હતા, તેથી ગૌતમ ઘરના નોકરોની પણ વારંવાર બદલી કરતો હતો. ગૌતમના માતાપિતા, બહેન, પિતરાઈ ભાઈઓ પણ તેમની દીકરી અને તેમના સપોર્ટમાં છે. નવાઝ મોદી સિંઘાનિયાએ છૂટાછેડાના સમાધાનના ભાગરૂપે ગૌતમી સિંઘાનિયાની અંદાજિત $1.4 બિલિયન નેટવર્થના 75 ટકાની માગણી કરી છે.
જે લોકોને નવાઝ મોદી અને ગૌતમ સિંઘાનિયા વિશે ઝાઝી જાણકારી ના હોય તો તેમની લવ સ્ટોરી કંઇક આવી છે. 8 વર્ષ સુધી અફેર રહ્યા બાદ ગૌતમ અને નવાઝે લગભગ 24 વર્ષ પહેલા એટલે કે 1999માં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે ગૌતમ 34 વર્ષના હતા અને નવાઝ મોદી 29 વર્ષના હતા. નવાઝ સોલિસિટર નાદર મોદીની પુત્રી છે. તેમની પાસે કાયદાની ડિગ્રી છે. નવાઝ ફિટનેસ ફ્રીક તરીકે ઓળખાય છે. તે બોડી આર્ટ ફિટનેસના સ્થાપક છે. નવાઝ પોતાના ફેશન સ્ટેટમેન્ટ માટે ફેમસ છે. તેઓ યોગમાં નિષ્ણાત છે અને પ્રેરક વક્તા તરીકે પ્રખ્યાત છે. સિંઘાનિયા અને નવાઝને બે પુત્રીઓ છે – નિહારિકા અને નિસા. નવાઝ જ્યારે 10 વર્ષના હતો ત્યારે તેના પિતા તેની માતાથી અલગ થઈ ગયા હતા.
કપડા બનાવતી કંપની રેમન્ડનો પાયો 1925માં નાખવામાં આવ્યો હતો. આજે કંપનીએ ભારતીય સમાજમાં એવી સ્થિતિ સ્થાપિત કરી છે કે લોકો કહેતા હતા – રેમન્ડ સૂટ વિના લગ્ન પૂર્ણ થઈ શકતા નથી. ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાને 1980માં કંપનીની કમાન સંભાળી હતી. વિજયપતના વિઝન અને સખત મહેનતને કારણે કંપની ટોચ પર પહોંચી છે. વિજયપતે 12,000 કરોડ રૂપિયાની કંપની તેમના પુત્ર ગૌતમને સોંપી દીધી હતી પરંતુ ગૌતમે પિતાને ઘરની બહાર ફેંકી દીધા. વિજયપત સિંઘાનિયાએ જેકે હાઉસ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ ઘર મુંબઈની બીજી સૌથી ઊંચી ઈમારત તરીકે ઓળખાય છે. મુકેશ અને નીતા અંબાણીની એન્ટિલિયા પછી આ સૌથી મોંઘી બિલ્ડિંગ ગણાય છે. આજે રેમન્ડ ગ્રુપના માલિક વિજયપત સિંઘાનિયા મુંબઈની એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. વિજયપત સિંઘાનિયાએ બોમ્બે હાઈકોર્ટમાં મલબાર હિલ્સ સ્થિત તેમના ડુપ્લેક્સ ઘરનો કબજો મેળવવા અરજી કરી છે.
વિજયપત સિંઘાનિયાએ ભારતીય સમાજની નાડી અનુભવી હતી અને તેથી જ તેઓ રેમન્ડ કંપનીને વિશ્વાસપાત્ર બ્રાન્ડ બનાવવામાં સફળ રહ્યા હતા. આ કંપની દ્વારા બનાવેલા કપડાં લાંબા સમય સુધી ટકે છે અને તેનો રંગ પણ ફિક્કો પડતો નથી. ‘રેમન્ડ ધ કમ્પલીટ મેન’ ટેગલાઈન દેશના લોકોમાં લોકપ્રિય બની હતી, પણ આજે લોકો ગૌતમની આ રેમન્ડ કંપની વિશે કહી રહ્યા છે કે Raymond the complete man with incomplete family.