ગૌતમ અદાણીની પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત, આ મુદ્દે ચર્ચાઓ તેજ

કોલકાતા : દેશના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. જેના પગલે 25,000 કરોડના તાજપુર પોર્ટના વિકાસ યોજના મુદ્દે અટકળો તેજ થઈ છે. તાજપુર પોર્ટ પૂર્વ ભારતમાં માળખાગત સુવિધાના વિકાસ માટે મહત્વનો માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ સરકારે આ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપ સાથેની ચાર વર્ષ જૂની ભાગીદારી પૂર્ણ કરી છે. તેમજ આ પ્રોજેક્ટ માટે નવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લીધો છે.
મુલાકાત એક કલાક સુધી ચાલી હતી
જોકે, પશ્ચિમ બંગાળ સરકારે હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું કે અદાણી ગ્રુપને આપવામાં આવેલું ટેન્ડર સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યું છે કે નહી. ત્યારે ગૌતમ અદાણી સોમવારે સાંજે પશ્ચિમ બંગાળના સચિવાલય પહોંચ્યા હતા અને સીએમ
મમતા બેનર્જીને મળ્યા હતા. તેમની વચ્ચે આ મુલાકાત એક કલાક સુધી ચાલી હતી. આ પૂર્વે ગૌતમ અદાણીએ વર્ષ 2022ના બંગાળ વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનમાં હિસ્સો લીધો હતો. ત્યારે અદાણી ગ્રુપે 10,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.
રોકાણ સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
જોકે, આ બેઠકમાં થયેલી ચર્ચાઓ વિશે કોઈ સત્તાવાર માહિતી પ્રકાશમાં આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે સકારાત્મક વાતાવરણમાં રોકાણ સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત આ વર્ષના અંતમાં પશ્ચિમ બંગાળમાં યોજનારા વ્યવસાય અને ઉદ્યોગ સંમેલનના પગલે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત મમતા બેનર્જીએ થોડા દિવસ અગાઉ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખર સાથે મુલાકાત કરી હતી. જે પશ્ચિમ બંગાળમાં રોકાણ આકર્ષિત કરવાના પ્ર્યાસો તરીકે જોવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…ગૌતમ અદાણી ક્યા સામ્યવાદી દેશમાં કરશે 85 હજાર કરોડનું રોકાણ ?