26/11ના આતંકવાદી હુમલામાં આવી રીતે બચ્યા હતા ઉદ્યોગપતિ ગૌતમ ‘Adani’
મુંબઇઃ 26 નવેમ્બરના દિવસને આમ તો બંધારણ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે, તો બીજી તરફ, આ તારીખ સાથે કાળો ઇતિહાસ પણ જોડાયેલો છે. આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું. આજે પણ ભારતના લોકો એ દ્રશ્યને યાદ કરીને કંપી ઉઠે છે.
આ વાત છે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની. 26/11 તરીકે ઓળખાતા આ હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલામાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ ફસાયા હતા. આ વાતનો ઉલ્લેખ ખુદ ગૌતમ અદાણીએ કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેમણે 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલામાં મૃત્યુને ઘણી નજીકથી જોયું હતું.
Also read: આજે મુંબઈ હુમલાની વરસી, 26/11નો કાળો દિવસ ભૂલી શકાય તેમ નથી
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે આતંકવાદીઓને સગી આંખે જોયા છે. તેમણે આતંકવાદીઓને પહેલો રાઉન્ડ ફાયરિંગ કરતા પણ જોયા હતા. અદાણીએ એ ગોઝારી ઘટનાની વાત યાદ કરતા જણાવ્યું હતું કે, ‘નવેમ્બર 26, 2008 હું બિઝનેસ મીટિંગ માટે તાજ હોટેલ પહોંચ્યો હતો. દુબઈ પોર્ટના સીઈઓ મોહમ્મદ શરાફ સાથે મારી મુલાકાત થઈ હતી. મીટીંગ પૂરી કર્યા પછી અમે હોટલના ડિનરનું બિલ પણ ચૂકવી દીધું. જો કે, અમારા ક્લાયન્ટ વધુ ચર્ચા કરવા માંગતા હતા, તેથી અમે કોફી ટેબલ પર બેઠા હતા અને બરાબર તે જ સમયે હુમલો થયો હતો.’
તો પછી બચ્યા કેવી રીતે?ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ‘હું ક્યારેક વિચારું છું કે જો હું બિલ ચૂકવ્યા પછી લોબીમાં ગયો હોત તો હું ફસાઈ ગયો હોત. પરંતુ જ્યારે અમે ડિનર પતાવ્યું અને બિલની ચૂકવણી કરી અને પાછા વાતચીત માટે ત્યાં જ બેઠા. અમે રેસ્ટોરન્ટની અંદર જ રહ્યા. આજે હું કહી શકું છું કે તાજ ગ્રુપના મેનેજરથી લઈને વેઈટર સુધીના દરેક કર્મચારીએ જે રીતે કામ કર્યું છે, આવું સમર્પણ બહુ ઓછી સંસ્થાઓમાં જોવા મળે છે. હું આખી રાત ત્યાં અટવાયેલો જ રહ્યો. તાજ હોટેલનો સ્ટાફ મને ઉપરના રૂમમાં લઈ ગયો. હું આખી રાત ત્યાં પુરાઇ રહ્યો. જ્યારે સવારે સાત વાગ્યાની આસપાસ કમાન્ડો આવ્યા અને તેમને ખબર પડી કે અહીં ઘણા લોકો ફસાયેલા છે, ત્યારે તેઓએ મને સંપૂર્ણ સુરક્ષા આપી અને મને હોટેલમાંથી બહાર કાઢ્યો. હું સવારે લગભગ 7.30-8.00ની આસપાસ બહાર આવ્યો.’
દરિયાઇ માર્ગે આવ્યા હતા આતંકીઓઃ
મુંબઈ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓએ પહેલા પાકિસ્તાની ઝંડાવાળા કાર્ગો જહાજમાં મુસાફરી કરી હતી. આ પછી તેઓએ એક ભારતીય ફિશિંગ બોટને પકડી લીધી અને પછી એ બોટમાં તેઓ મુંબઈના દરિયાકિનારે પહોંચ્યા. તેઓએ ગેટવે ઓફ ઈન્ડિયા નજીક બધવાર પાર્ક અને સાસૂન ડોક્સ સુધી પહોંચવા માટે ફુલાવી શકાય તેવી ડીંગીઓનો ઉપયોગ કર્યો હતો.
Also read: આટલો ઓછો પગાર લે છે ગૌતમ અદાણી!
આતંકવાદીઓ તેમને જણાવ્યા મુજબના હુમલા કરવા માટે નાના નાના જૂથોમાં વહેંચાઈ ગયા હતા. તેમણે રાત પડવાની રાહ જોઇ હતી. આતંકવાદીઓની એક ટુકડી રાત્રે 9.30 વાગ્યે છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન પહોંચી હતી. અહીં બધાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આતંકવાદીઓનું એક જૂથ પુષ્કળ દારૂગોળો સાથે ઓબેરોય હોટલમાં ઘૂસી ગયું હતું. કહેવાય છે કે તે સમયે અહીં 350 થી વધુ લોકો હાજર હતા. અહીં હુમલાખોરોએ ઘણા લોકોને બંધક પણ બનાવ્યા હતા. NSG કમાન્ડોએ અહીં હુમલાખોરોને ઠાર માર્યા હતા.