ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધીને ‘મીર જફર’ સાથે સરખાવ્યા: કહ્યું “ભારતને બદનામ કરી રહ્યા છે”

નવી દિલ્હી: ભાજપના નેતા ગૌરવ ભાટિયા વિપક્ષી નેતાઓ સામે આકરા વાકપ્રહાર કરવા અને ભાજપની નીતિઓનો બચાવ કરવા માટે જાણીતા છે. વિપક્ષની ખામીઓ શોધીને તેઓ અવારનવાર વિપક્ષને આડેહાથે લેતા રહે છે. તાજેતરમાં તેમણે પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીનો ડીએનએ ભારત વિરોધી છે, એવું ગૌરવ ભાટિયાએ જણાવ્યું છે.
રાહુલ ગાંધી ભારતના મીર જફર છે
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, “55 વર્ષના રાહુલ ગાંધી 5 વર્ષમાં ઘરડા થઈ જશે, તેમના ડીએનએમાં ભારતનો વિરોધ છે, કારણ કે તેમની અંદર સત્તા મેળવવાની લાલચ છે. રાહુલ ગાંધી અમેરિકામાં ઇલહામ ઓમરને મળ્યા. ઇલહામ ઓમર કહે છે કે, ભારતે ગેરકાયદે કાશ્મીર પર કબ્જો કરી રાખ્યો છે. રાહુલ ગાંધીએ મુસી હસન સાથે પણ ફોટો પડાવ્યો છે. રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરી રહ્યા છે.”

ગૌરવ ભાટિયાએ આગળ જણાવ્યું કે, “રાહુલ ગાંધી કાર્નેલિયા વૂલ સાથે ફોટો પડાવે છે. જોર્જ સોરોસની સંસ્થા ભારત વિરોધી ફંડિંગ કરે છે. કાર્નેલિયા વૂલ તેને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં છે. રાહુલ ગાંધી ભારતના મીર જફર છે.”
મમતા બેનર્જી હિન્દુ વિરોધી નિવેદનો આપે છે
ગૌરવ ભાટિયાએ વધુમાં મમતા બેનર્જી પર પણ પ્રહાર કર્યા હતા. ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનર્જીના ઇશારે સાંપ્રદાયિક રાજનીતિ થઈ રહી છે. ભગવાન રામનું અપમાન થઈ રહ્યું છે. આ હિંદુઓ માટે પીડાદાયક છે. પશ્ચિમ બંગાળમાં જલ્દી વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ મમતા બેનર્જી ત્યાં ચૂંટણી હારી રહ્યા છે.
કારણ કે તેઓ પોતાના નેતાઓને હિંદુ આસ્થા વિરોધી સાંપ્રદાયિક નિવેદનો અપાવી રહ્યા છે. મમતા બેનર્જીના ઇશારે તેમના નેતા મદન મિત્રાએ કહ્યું છે કે, ભગવાન શ્રી રામ હિન્દુ નથી, મુસલમાન છે. તેમની જાતિ પૂછે છે. ‘જય શ્રી રામ’ બોલવા પર મમતા બેનર્જીએ ચામડી ઉખેડી નાખવાની વાત કરી હતી. આ ઉપરાંત મમતા બેનર્જીએ મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યો હતો.”
આ પણ વાંચો…વિદેશમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રની ટીકા કરવા બદલ સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા



