કોટામાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીકની ઘટના, ગૂંગળામણને કારણે 15 વિદ્યાર્થી થયા બેભાન

કોટા: રાજસ્થાનના કોટામાં ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે. ચંબલ ફર્ટિલાઇઝર્સ કેમિકલ લિમિટેડ ફેક્ટરીમાં અચાનક ગેસ લીકેજ થયો હતો. આ ઘટનામાં 15 શાળાના બાળકો તેની ઝપેટમાં આવી જતા બેભાન થઈ ગયા હતા. આ 15 બાળકોમાંથી 7 બાળકોની હાલત ગંભીર છે અને તેમને વધુ સારી સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ
પ્રાપ્ત વિગતો અનુસાર કોટામાં ચંબલ ફર્ટિલાઇઝર કંપનીની ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ થવાને કારણે ઝેરી ગેસ શાળા સુધી ફેલાઇ ગયો હતો. એમોનિયા ગેસ લીકેજ થયા બાદ, ગઢેપન ગામની સરકારી શાળાના બાળકો તેની ઝપેટમાં આવી ગયા હતા. શાળામાં હાજર ઘણા વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ત્યારબાદ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: દેશમાં ગેસ લીકેજની ઘટનામાં થયો વધારોઃ 2023માં ગુજરાતમાં સૌથી વધુ બનાવ
સ્થાનિકોના વિરોધ બાદ સ્થિતિ બની હતી તંગ
ગેસ લીકેજના સમાચાર ફેલાતા જ સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને કંપનીના અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવીને વિરોધ શરૂ કર્યો હતો. અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પરિસ્થિતિ થોડા સમય માટે તંગ બની ગઈ હતી, પરંતુ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
ઓમ બિરલાએ લીધી નોંધ
આ ઘટના બાદ NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હવે તે વિસ્તારમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. ગેસ લીકેજથી કેટલાક ગ્રામજનો પણ પ્રભાવિત થયા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આ ઘટનાની માહિતી લીધી છે. ઘટના બાદ જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી, ગ્રામીણ એસપી સુજીત શંકર, વહીવટી અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.