
મુંબઈઃ NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કથિત માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. યુએસ અધિકારીઓ દ્વારા તેની પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂરી થયા બાદ તેને આજે ભારત લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની ઘણી ટીમોને સુરક્ષા પૂરી પાડવા અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે એરપોર્ટ પર હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કઈ એજન્સી તેની ઔપચારિક રીતે ધરપકડ કરશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યા પછી તેને કસ્ટડીમાં લેશે.
દેશભરમાં 32થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા
તપાસકર્તાઓએ કહ્યું કે અનમોલ પર દેશભરમાં 32થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં રાજસ્થાનમાં ખંડણી, અપહરણ, હત્યાનો પ્રયાસ સહિતના 20 કેસ નોંધાયા છે. છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કઈ એજન્સીને પહેલા કસ્ટડી સોંપવી તે કેન્દ્ર સરકાર નક્કી કરશે.”
નોંધનીય છે કે પૂર્વ પ્રધાન અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા સ્થિત તેમના પુત્રની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અનમોલના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ સહિત ગેંગના તમામ સભ્યોની અગાઉથી જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.ઘણા કેસોમાં અનમોલ બિશ્નોઈની શોધ ચાલી રહી છે. અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. લોરેન્સ હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે.
નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો
અનમોલને મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કરીને NIA દ્વારા તેના પર ₹10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. અનમોલ પર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં હુમલાખોરોને મદદ કરવાનો પણ આરોપ છે. અનમોલ બિશ્નોઈ એપ્રિલ 2022માં ભાનુ નામના નકલી પાસપોર્ટ પર ભારતમાંથી ભાગી ગયો હતો. તેની પાસે કથિત રીતે રશિયાનો પાસપોર્ટ છે, જે તેણે નકલી દસ્તાવેજોની મદદથી તૈયાર કરાવ્યો હતો.
તેની વિરુદ્ધ 18 કેસ નોંધાયેલા છે. તેનું ભારત પાછું આવવું એ ભારતીય એજન્સીઓ માટે એક મોટી સફળતા છે.
અનમોલના કારણે લોરેન્સ-ગોલ્ડી વચ્ચે તિરાડ પડી
આ વર્ષે જૂનમાં ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ અલગ થઈ ગયા હતા. આ બંને સ્કૂલ સમયથી સારા મિત્રો હતા. અલગ થતા પહેલા, બંને સાથે મળીને ખંડણી, હત્યા, અને ડ્રગ્સ તથા હથિયારોની હેરાફેરીની સાથે અન્ય ગુનાઓમાં સામેલ હતા. બંને વચ્ચેના વિખૂટા પડવાનું કારણ પણ અનમોલ જ હતો. લોરેન્સ બિશ્નોઈને જાણ થઈ કે બરાર અને અન્ય એક ગેંગસ્ટર રોહિત ગોદારાએ અનમોલના જામીનમાં મદદ કરી ન હતી. અનમોલને અમેરિકામાં જામીન તો મળી ગયા હતા, પરંતુ તેને જીપીએસ ટ્રેકર પહેરીને રહેવું પડતું હતું. ગોલ્ડી બરારથી અલગ થયા બાદ લોરેન્સે હરિયાણાના ગેંગસ્ટર કાલા રાણાના ભાઈ નોની રાણા સાથે હાથ મિલાવ્યો હતો.



