Superstition: બ્લડ કેન્સરથી પીડિત 5 વર્ષના બાળકને પરિવારે ગંગામાં ડૂબાડતા મોત, પરિવારજનોની ધરપકડ
હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વારમાં અંધશ્રદ્ધાને કારણે 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. દિલ્હીમાં રહેતા પરિવારના 5 વર્ષાનાં બાળકને પરિવારજનોએ જ ગંગાનદીના પાણીમાં ડુબાડ્યો હતો, જેને કારણે તેનું મોત થયું હતું. હરિદ્વારના હરકી પાઈડી ખાતે બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બાળકના મૃત્યુ અંગે માહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીથી એક પરિવાર બ્લડ કેન્સરથી પીડિત 5 વર્ષના બાળક સાથે અહીં આવ્યો હતો. બાળકની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ડોકટરે જવાબ આપી દીધા બાદ, અંધવિશ્વાસમાં આવીને પરિવાર 5 વર્ષના બાળક સાથે ગંગામાં સ્નાન કરવા હરિદ્વાર પહોંચ્યો હતો. પરિવાર માનતો હતો કે ગંગા નદી બાળકને સાજો કરી શકે છે. પોલીસ આ કેસના દરેક પાસાઓની તપાસમાં વ્યસ્ત છે.
વાયરલ થયેલા વીડિયોમાં મહિલા બાળકને પાણીમાં ડૂબાડતી જોવા મળી રહી છે. આ પછી નજીકમાં હાજર લોકો પણ મહિલા પાસે પહોંચી ગયા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલા તેમને ધક્કો મારવા લાગી. મહિલા લાંબા સમય બાદ મહિલા બાળકને પાણીમાંથી બહાર કાઢે છે.
અન્ય એક વિડિયોમાં બાળકની કાકી લાશની બાજુમાં બેઠેલી જોવા મળે છે અને કહે છે કે તેમને ખાતરી છે કે બાળક ફરી જીવતું થશે.
પોલીસે જણાવ્યું કે બાળકના માતા-પિતા અને તેની કાકીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પરિવારને ટેક્સીમાં બેસાડીને દિલ્હીથી હરિદ્વાર લઈ ગયેલા ડ્રાઈવરે જણાવ્યું કે પરિવારના સભ્યો બાળક સાથે તેની કારમાં બેઠા ત્યારથી બાળક ખૂબ જ બીમાર દેખાઈ રહ્યો હતો અને હરિદ્વાર આવે ત્યાં સુધીમાં બાળકની તબિયત ઘણી બગડી ગઈ હતી. ટેક્સી ડ્રાઈવરના કહેવા પ્રમાણે, પરિવારના સભ્યો બાળકની તબિયત બગડવાની અને તેને ગંગામાં સ્નાન કરાવવાની વાત કરી રહ્યા હતા.