નાગપુરમાં ગેન્ગ વૉર: ધોળા બપોરે ચોકમાં ગોળીબાર
નાગપુર: નાગપુરમાં કપિલ નગરમાં શુક્રવારે બપોરે અપરાધીઓના એક જૂથે ગેરકાયદે ગુનાની સ્પર્ધામાંથી એક યુવકને હટાવવા તેના પર ગોળી ચલાવી હતી, પણ તેમનો નિશાન ચૂકી જવાથી ગોળી તેના મિત્રને વાગતા તે ગંભીર જખમી થયો હતો. જોકે આરોપીઓએ ઘટનામાં જખમી થયેલા યુવાનને માર માર્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જખમીને હૉસ્પિટલમાં દાખલ કરી આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
નાગપુરમાં અપરાધ અને માફિયાઓનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં ચોરી અને ગોળીબારની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે કપિલ નગરમાં બનેલી ઘટનાથી આખા શહેરમાં હોબાળો મચી ગયો છે. આ અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે એક કારમાંથી પાંચથી છ લોકોએ અનેક ગુનાઓમાં સામેલ સોનું પર ગોળીબાર કર્યો હતો.
સોનું શુક્રવારે સવારે તેના મિત્ર શેખ અમજદને ગાંજા અને એમડી ડ્રગ્સની દાણચોરી માટે મળવા ગયો હતો. તેમની આ મુલાકાત દરમિયાન આરોપી સદાફ સાથે તેમનો ઝઘડો થયો હતો અને સદાફે સોનુંને આ પરિસરમાં ડ્રગ્સનું વેચાણ ન કરવાની પણ ધમકી આપી હતી.
સોનું અને શેખ ઘરે ગયા બાદ સદાફે તેના પાંચ-છ સાથીદાર સાથે મળીને સોનું અને શેખને શોધી ચોકમાં તેમના પર ગોળી ચલાવી હતી, પણ તેમાં સોનું બચી જતાં તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ ગોળી વગેલા સોનુંના મિત્રને પકડી તેના પર તલવાર અને ચાકુ વડે ઘા કરી તેને ગંભીર રીતે જખમી કર્યો હતો. આ ઘટના બાદ બધા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
થોડા સમય બાદ સોનુંએ ઘટના સ્થળે પહોંચી તેના મિત્ર બાબતે પોલીસને જાણ કરી હતી. ત્યાબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી સોનું અને તેના મિત્ર શેખને હૉસ્પિટલમાં દાખલ કરી આરોપીઓની શોધ શરૂ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને જાણી પોલીસ દ્વારા જુદી-જુદી ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.