ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ અંગે ગજેન્દ્ર સિંહ શેખાવતે કોંગ્રેસને આપ્યો જવાબ
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં રાજકીય તણાવનો મહોલ (Bangladesh unrest) છે, વચગાળાની સરકાર અને આર્મી શાંતિ સ્થાપવાનો અને સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાશે, કેટલાક નેતાઓ પણ આવા નિવેદનો આપી ચુક્યા છે. આવા લોકોને કેન્દ્રીય પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat) કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આ બાંગ્લાદેશ નથી, પરંતુ નરેન્દ્ર મોદીનું ભારત છે.
શેખાવતે આ નિવેદન એવા લોકો પર નિશાન તાક્યું છે જેઓ ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. શેખાવતે જાહેરમાં કોઈ નેતાનું નામ લીધું ન હતું, પરંતુ તેઓ કોંગ્રેસના નેતાઓ મણિશંકર ઐયર અને સલમાન ખુર્શીદ તરફ ઈશારો કર્યો હતો. શનિવારે જોધપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય પ્રધાન શેખાવતે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોએ ટિપ્પણી કરી છે કે ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઉભી થશે.
ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, “કેટલાક લોકો ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી જ સ્થિતિ બનાવવાની વાત કરી રહ્યા છે. તેઓ કદાચ જાણતા નથી કે આ બાંગ્લાદેશ નથી, આ ભારત છે અને મોદીજીનું ભારત છે. જેઓ કોઈએ આવું કરવાનો પ્રયત્ન કરશે તેમને સમજી લેવું જોઈએ કે તેમનું શું થશે.”
આ પણ વાંચો: આગ બાંગ્લાદેશમાં, તાપ મહારાષ્ટ્રના રાજકારણમાં
બાંગ્લાદેશની સ્થિતિ અંગે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં જે પણ થયું તે અનપેક્ષિત અને અસ્વીકાર્ય છે. ભારત સરકાર તેના પર સતત નજર રાખી રહી છે. એકવાર કાયદો અને વ્યવસ્થા પાટા પર આવી જાય પછી ત્યાંની સ્થિતિમાં સુધારો થવો જોઈએ.
મંગળવારે એક પુસ્તક વિમોચન સમારોહમાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે સપાટી પર બધું સામાન્ય લાગે છે, પરંતુ બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે ભારતમાં પણ થઈ શકે છે. મણિશંકર ઐયરે પણ બાંગ્લાદેશની સ્થિતિની ભારત સાથે સરખામણી કરી હતી.