‘ગગનયાન’ મિશન આત્મનિર્ભર ભારતની યાત્રામાં એક નવા અધ્યાયનું પ્રતીકઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ ‘ગગનયાન’ મિશન આત્મનિર્ભર ભારતની યાત્રામાં એક નવા અધ્યાયનું પ્રતીક છે અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ પસંદ કરાયેલા અવકાશયાત્રીઓ દેશના રત્નો અને રાષ્ટ્રીય આકાંક્ષાઓના પ્રણેતાઓ છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું.
ભારતીય વાયુસેના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સિંહે ચાર અવકાશયાત્રીઓનું સન્માન કર્યું હતું. આ સમારોહનું આયોજન એક્સિઓમ ૪ મિશનની સફળતા બાદ કરવામાં આવ્યું છે. જેમાં શુક્લા ટીમના સભ્યો હતા અને તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ પણ વાંચો: ભારતના ગગનયાન મિશનની તૈયારી તેજ, ઈસરોએ એર ડ્રોપ સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું
સિંહે જણાવ્યું કે આપણે અવકાશને માત્ર સંશોધનના ક્ષેત્ર તરીકે જ નહીં પરંતુ આવતીકાલના અર્થતંત્ર, સુરક્ષા, ઊર્જા અને માનવતાના ભવિષ્ય તરીકે જોઇએ છીએ. તેમણે કહ્યું કે ભારત પૃથ્વીની સપાટીથી આગળ અવકાશની નવી સીમાઓ તરફ સતત આગળ વધી રહ્યું છે.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે આપણે ચંદ્રથી લઇને મંગળ સુધી આપણી હાજરી નોંધાવી છે અને આજે દેશ ગગનયાન જેવા મિશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે આ સિદ્ધિને માત્ર એક ટેક્નોલોજીકલ માઇલસ્ટોન જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય ગણાવ્યો હતો. જ્યારે આપણે વિશ્વની અગ્રણી અવકાશ શક્તિઓ વચ્ચે ગર્વથી ઊભા છીએ.
આ પણ વાંચો: ગગનયાનના એન્જિનનું સફળ પરીક્ષણ: ઇસરોની ઐતિહાસિક સિદ્ધિ!
સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનો અવકાશ કાર્યક્રમ માત્ર પ્રયોગશાળાઓ અને પ્રક્ષેપણ યાનો પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ આપણી રાષ્ટ્રીય આકાંક્ષાઓ અને વૈશ્વિક દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે ચંદ્રયાનથી લઇને મંગળયાન સુધી આપણે દર્શાવ્યું છે કે મર્યાદિત સંસાધનો હોવા છતાં અમર્યાદિત ઇચ્છાશક્તિ સૌથી પડકારજનક લક્ષ્યોને નોંધપાત્ર સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકે છે.