આગામી ભારતીય અવકાશયાત્રી સ્વદેશી અવકાશયાનમાં મુસાફરી કરશેઃ કેન્દ્રીય પ્રધાન...
નેશનલ

આગામી ભારતીય અવકાશયાત્રી સ્વદેશી અવકાશયાનમાં મુસાફરી કરશેઃ કેન્દ્રીય પ્રધાન…

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની સફળ અવકાશ યાત્રાએ ભારતની ભાવિ યાત્રાઓ માટે કુશળતા પ્રદાન કરી છે અને આગામી ભારતીય અવકાશયાત્રી સ્વદેશી રીતે નિર્મિત અવકાશયાનમાં યાત્રા કરશે. આ માહિતી કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જીતેન્દ્ર સિંહે આપી હતી.

એક વીડિયો ઇન્ટરવ્યુમાં જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે એક્સિઓમ-૪ મિશન અંતર્ગત શુક્લાના આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ત્રણ સપ્તાહના રોકાણે ભારતને તેના ગગનયાન પ્રોજેક્ટની તૈયારી દરમિયાન અવકાશ મિશનને સંભાળવામાં મૂલ્યવાન સમજ અને અનુભવ આપ્યા છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન(ઇસરો) તેના માનવ અવકાશ યાન મિશન ‘ગગનયાન’ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જે ૨૦૨૭માં બે અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઇ જશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાને જણાવ્યું કે આગામી મિશન સંપૂર્ણપણે સ્વદેશી હશે. જે શરૂઆતથી જ ભારતમાં વિકસાવવામાં આવશે. ભારતીય અવકાશયાત્રીઓ પહેલી વાર ભારતીય અવકાશયાનમાં ઉડાન ભરશે.

સિંહે જણાવ્યું કે આ આપણને વિશ્વના એવા વિશિષ્ટ દેશોની શ્રેણીમાં મૂકશે જે હકીકતમાં આ કરવા સક્ષમ છે. તેમજ તે આપણા ભવિષ્યના પ્રયાસો માટે પણ માર્ગ મોકળો કરશે. જેમાં આપણું પોતાનું અવકાશ મથક સ્થાપવાનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખીનય છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું સંચાલન નાસા, રોસ્કોસમોસ, યુરોપિયન સ્પેસ એજન્સી, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી એમ પાંચ અવકાશ એજન્સીઓના સહયોગથી કરવામાં આવે છે. જ્યારે ચીનનું પોતાનું અવકાશ મથક તિયાંગોંગ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button