ગઢચિરોલીમાં મરઘાંની લડાઈ પર જુગાર: 92 આરોપી પકડાયા

મુંબઈ: ગઢચિરોલીના જંગલ પરિસરમાં પ્રતિબંધ છતાં મરઘાંની લડાઈ પર જુગાર રમનારાઓ પર પોલીસે કાર્યવાહી કરી 92 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 46 બાઈક, પાંચ ફોર વ્હીલર અને 31 મોબાઈલ ફોન સહિત અન્ય મતા જપ્ત કરી હતી.
જિલ્લાના દુર્ગમ અને ગ્રામીણ ભાગોમાં મરઘાંની ગેરકાયદે બજાર ભરાતી હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બજારમાં મરઘાંની લડાઈ પર જુગાર રમનારાઓ પર નજર રાખવાની સૂચના ગઢચિરોલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નીલોત્પલે આપી હતી. પરિણામે દરેક પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ રીતે જુગાર રમાતા હોય એવાં સંભવિત સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું.
આ પણ વાંચો: અમેરિકામાં લોકો ભાડે મરઘા લઈને ઉછેરી રહ્યા છે! જાણો અચાનક એવું તે શું થયું
અધિકારીના જણાવ્યા મુજબ ગરંજી ટોલા ગામના જંગલ પરિસરમાં પોલીસની ત્રણ સ્પેશિયલ ટીમ માઓવાદી વિરોધી ઝુંબેશ દરમિયાન પેટ્રોલિંગ પર હતી ત્યારે મરઘાંની લડાઈ પર જુગારની જાણકારી તેમને મળી હતી. માહિતીને આધારે વધારાની પોલીસ ટીમ બોલાવવામાં આવી હતી. પોલીસ રેઇડની જાણ થતાં જ આરોપીઓ જંગલ તરફ નાસી છૂટ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી 92 લોકોને તાબામાં લીધા હતા. તેમની પાસેથી 46 બાઈક અને પાંચ ફોર વ્હીલર પણ જપ્ત કરાઈ હતી. 42 હજારથી વધુની રોકડ પોલીસે હસ્તગત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ રેગડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.